બુટલેગરે સ્મશાનને પણ ન છોડ્યુંઃ CNG ભઠ્ઠી નીચેથી દારુનું ગોડાઉન ઝડપાયું

અગ્નિદાહ આપવાની CNG ભઠ્ઠી નીચેથી દારુનું ગોડાઉન ઝડપાયું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ખોખરામાં અગ્નિદાહ આપવાની સીએનજી ભઠ્ઠી નીચે બનાવેલુંં દારુનું ગોડાઉન પોલીસે ઝડપી લીધુ છે. વિસ્તારના ભાજપના અનુસૂચિત જાતિના પ્રમુખ અક્ષય વેગડની ધરપકડ કરી છે. દારુનો વેપાર કરવા માટે સ્મશાનમાં ભઠ્ઠીની નિચે જ દારુને સંતાડવામાં આવતો હતો. આમ દારુને સ્મશાનની ભઠ્ઠી નિચેથી નિકાળીને વેચવામાં આવતો અને દારુની પાર્ટી માણનારાઓ સુધી પહોંચતો હતો.
સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય છે. તો અમુક વખત અવાવરું જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદમાં એક્ સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. સ્મશાન ગુહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોંયરામાં આ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સ્મશાન ગૃહ માંથી પોલીસને દારૂનું ગોડાઉન મળી આવ્યું છે. સ્મશાન ગૃહમાં આવેલી અગ્નિદાહ આપવા માટેની સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોયરામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ખોખરા પોલીસને માહિતી મળતા સ્મશાન ગૃહમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
ખોખરા પોલીસે સ્મશાનમાં કર્મચારી તરીકે રહેતા અક્ષય વેગડ તેમજ રાજન વેગડની ધરપકડ કરી છે. ખોખરા પોલીસે સ્મશાન ગૃહમા રહેતા અક્ષય વેગડ અને એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહી સફાઈ કામદારની નોકરી કરે છે. તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે.
આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં સામા આવ્યું છે કે અક્ષય વેગડ વિરુદ્ધ અગાઉ ખોખરા પોલીસ મથકમાં અલગ અલગ બે ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે.