સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરને સરખેજ પોલીસે પકડી લીધો
(એજન્સી)અમદાવાદ, શહેર પોલીસની ધોંસ વતી જતાં બુટલેગરોએ અવનવા કિમિયા અપનાવ્યા છે. હવે સરખેજ પોલીસે સ્કૂલ બેગમાં દારૂનો જથ્થો લઈને ગ્રાહકોને સપ્લાય કરનારની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ગુલાબી રંગની સ્કૂલ બેગ કબજે લઈને તપાસ કરતાં તેમાંથી દારૂ બિયરની ૧૪ બોટલો મળી આવી હતી.
છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસે ધોંસ બોલાવી છે જેને લઈને બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. પોલીસથી બચવા માટે બુટલેગરો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને વહેલી સવારે દારૂના જથ્થાની ખેપ મારી રહ્યા છે તો સાથે પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરો મોંઘીઘાટ ગાડીઓનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. તેવામાં હવે એક બુટલેગર સ્કૂલ બેગમાં દારૂનો જથ્થો લઈને નીકળતા જ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો.
સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આરે.કે.ધુળિયાની ટીમ રથયાત્રાને લઈને પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે એલે.જે.કોલેજ પાસેથી દિવ્યાંગ ઉર્ફે બિન જાડેજા (ઉ.વ.૩ર, રહે.સરખેજ)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. આરોપી પાસે એક ગુલાબી રંગની બેગ મળી આવતા પોલીસને શંકા ગઈ હતી જેથી પોલીસે સ્કૂલ બેગ તપાસતા તેમાંથી સાત બોટલો અને બિયરના ૭ ટિન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરી છે.
આ મામલે પીઆઈ ધુળિયાએ જણાવ્યું કે, આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જુગારના નવા ગુના નોંધાય છે. તે અવાર નવાર પોલીસથી બચવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવવાની ટેવ ધરાવે છે. આ વખતે સ્કૂલ બેગમાં દારૂની ડિલિવરી કરવા જતાં પોલીસે તેને ઝડપી પાડયો હતો. આરોપી આ દારૂ બિયરનો જથ્થો કોને આપવાનો હતો તે બાબતે પણ તપાસ શરૂ કરાઈ છે.