Western Times News

Gujarati News

બુટલેગરોની દારૂની બોટલો સંતાડવાની અનોખી ટ્રીક જાણીને ચોંકી જશો

રખિયાલ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં અંતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા

અમદાવાદ, બુટલેગરો અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી દારૂનો જથ્થો છુપાવતા હોય છે, જેનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કરે છે. બાપુનગરમાં બુટલેગર પરિવારે જમીનમાં દાટેલા દારૂના જથ્થાને ઝડપી પાડી તેમની ખોટી નિયતનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યો છે. બુટલેગર પરિવાર તેમના ઘર પાસે ખાડો ખોદીને દારૂ છુપાવતો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે બાપુનગર સ્ટેડિયમ સામે આવેલા અર્બનનગરમાં નઝીર હુસેન શેખ પરિવાર સાથે દારૂનો ધંધો કરે છે, જેણે પોતાના ઘર પાસે જમીનમાં ખાડો ખોદીને ગુપ્ત જગ્યા બનાવી છે. બાતમીના આધારે સ્ટેટ મોનીંટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને નઝીર હુસેનના ઘર આસપાસ તપાસ શરૂ કરી દીધી હતી.

એસએમસીને નઝીરના ઘર આસપાસ ખાડા ખોદેલા મળ્યા હતા, જેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. નઝીરે તેના ઘર બહાર સાતથી આઠ ખાડા ખોદ્યા હતા, જેમાં તેણે દારૂ છુપાવ્યો હતો. ત્યાર બાદમાં તેના ઉપર પથ્થર મૂકી ખોદી પૂરી દીધો હતો.

SMCએ જમીનમાં દાટેલી ૩૦૪૦ દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ૪.૬પ લાખ રૂપિયા થાય છે. આ સિવાય એસએમસીએ ૪૭ હજાર રોકડા, રર.૪૦ લાખ રૂપિયાની ત્રણ કાર સહિત ર૭.૬૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એસએમસીએ નઝીર શેખ, વકાર અંસારી, અયાન પઠાણ તેમજ કુત્બુદ્દીન ઘાંચીની ધરપકડ કરી છે. આ સાથે નઝીરનો પુત્ર મુન્તઝીર, મોઇન, મુનાવર અને પત્ની સલમાબાનુ, સાહીનાબાનુ તેમજ દારૂ મોકલનાર સંજય ઉર્ફે સોનુ રાજપૂત અને જુબેર ઉર્ફે કાલુ વોન્ટેડ છે.

મુન્તઝીર દારૂનું સામ્રાજ્ય ચલાવતો હતો અને તેનો પરિવાર સાથ આપતો હતો. એસએમસીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દારૂના ધંધામાં મુન્તઝીરે ઘરના તમામ સભ્યોને કામ સોંપી દીધાં હતાં, જેમાં માતા સલમાબાનુ અને સાહીનાબાનુ દારૂના વેચાણથી લઇ તમામને વહીવટ કરવાનો એક-એક હિસાબ રાખતી હતી,

જ્યારે પિતા નઝીરને દારૂ છુપાવવાની અને વેચાણની જવાબદારી હતી તેમજ બીજા ભાઈઓને દારૂ વેચવામાં મદદ કરવાની જવાબદારી સોંપી હતી.

રહીશોની ફરિયાદ છતાંય સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીંઃ દારૂના ધંધાના કારણે અર્બનનગરના રહીશો નઝીર અને તેના પરિવારથી ત્રાસી ગયા હતા. નઝીર અને તેના પરિવારની દાદાગીરી એટલી હતી કે કોઇ તેમની સામે અવાજ ઊંચો કરવાની હિંમત કરતું નહીં, જેથી તેમણે રખિયાલ પોલીસને અનેક વખત જાણ કરી હતી. રખિયાલ પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં અંતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.