બોપલની હવા શ્વાસ માટે સૌથી વધુ જોખમી
બોપલ અને પીરાણામાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયા-૩૦૦ થી ૪૦૦ વચ્ચેનો એક્યુઆઈ અત્યંત ખરાબ ગણાય છે.- બોપલનો એક્યુઆઈ ૩૦૦ને પાર
(એજન્સી)અમદાવાદ, બોપલ વિસ્તારમાં એક્યુઆઈ ૩૦૭ નોંધાતા ખરાબ શ્વાસ લેવા માટે લોકો મજબૂર બન્યા છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે. પરંતુ તહેવારોની સિઝનમાં આ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી જતી હોય છે.
તેમાંય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ.દિવાળીના પાવન પર્વમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી હોતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળી નુકસાન પહોંચાડે છે.
જેના દ્વારા ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારે જાેવા મળે છે. તેના કારણે વાયુ પ્રદુષણનું માનવ જીવન પર જાેખમ વધી ગયું છે. હાલમાં દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની ગઈ છે.
મેગા સિટી ગણાતા અમદાવાદ શહેરનો ઓવરઓલ એક્યુઆઈ ૧૬૨ નોંધાયો છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. જેમાં શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બોપલ છે. બોપલમાં છેલ્લા ૧૫ દિવસથી એક્યુઆઈ ૩૦૦ ને પાર નોંધાઈ રહ્યો છે.
જ્યારે પીરાણા અને તેની આસપાસના વિસ્તારમાં એક્યુઆઈ ૨૬૦ નોંધાયો છે. એક્યુઆઈ ના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં ૨૦૦ થી ૩૦૦ વચ્ચેનો એક્યુઆઈ ખરાબ ગણાય છે. ૩૦૦ થી ૪૦૦ વચ્ચેનો એક્યુઆઈ અત્યંત ખરાબ ગણાય છે.
આટલા જીવલેણ વાતાવરણમાં શહેરીજનોની ચિંતા કર્યા વગર તંત્ર ચૂંટણીનો ઢોલ વગાડી રહ્યું છે. આવા દૂષિત વાતાવરણની અસર સૌ કોઈ શહેરીજનો ભોગવી રહ્યા છે. આ ચાર્ટ જાેતાં એવું લાગે છે કે અમદાવાદની હવા પણ હવે ઝેરી બની ગઈ છે. જાે તંત્ર હજી પણ આ બાબતને ગંભીરતાથી નહી લે તો તેનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડશે.
અમદાવાદમાં આવેલા પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. જેમાં બોપલ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલના એક્યુઆઈ૩૦૭ નોંધાયો છે.
જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમા એક્યુઆઈ ૨૬૦ નોંધાયો છે. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે, શહેરોમાં પ્રદૂષણની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે બાળકોમાં અને વૃદ્ધોમાં અસ્થમાના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ જાેખમાઈ ગયું છે.