બોપલ-ઘુમામાં સફાઈનાં ધાંધિયાથી લોકો પરેશાન
બોપલ-ઘુમામાં ડોર ટુ ડોરની કામગીરી કરતી કચરાગાડીઓ પણ નિયમિત ક્ચરો લેવા આવતી નથી, જેના કારણે ગૃહિણીઓ ભારે નારાજ છે.
અમદાવાદ, તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા શહેરના વિવિધ વિસ્તારમાં સવારના સરપ્રાઈઝ રાઉન્ડ લઈ રહ્યા છે, જે દરમિયાન કમિશનર સોલિડ વેસ્ટ, હેલ્થ, રોડ, ડ્રેનેજ સહિતના તંત્રના વિવિધ વિભાગની કામગીરીથી નારાજ થઈ રહ્યા છે.
તેમણે પોતાનો અણગમો સ્પષ્ટપણે વ્યક્ત કરીને સંબંધિત સ્ટાફને શો-કોઝ નોટિસ ફટકારીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને સફાઈની કામગીરીથી કમિશનર ભારે ખફા થયા છે. શહેરમાં સાફ-સફાઈનું સ્તર યોગ્ય ન હોવાની બાબતને તેમણે ગંભીરતાથી લીધી છે. દરમિયાન મ્યુનિ.કોર્પાેરેશનમાં નવા ભેળવાયેલા બોપલ અને ઘુમાના લોકો રસ્તા પરનો ક્ચરો કહો કે ડોર ટુ ડોરની કચરાગાડીની અનિયમિતતા ગણો પણ સફાઈનાં ધાંધિયાથી ભારે પરેશાન છે. શહેરના જૂના વિસ્તારોની જેમ નવા વિસ્તારોમાં પણ લોકો સફાઈના પ્રશ્ને ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.
ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને ગત તા.૧૮ જૂન, ૨૦૨૧એ મ્યુનિ.કોર્પાેરેશનમાં ભેળવી દેવાઈ હતી. તે સમયે ચિલોડા, નરોડા ગ્રામ પંચાય, કઠવાડા ગ્રામ પંચાયત, સનાથલ, વીસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસિયા, રણાસણ, ખોડિયાર જેવા વિસ્તારનો પણ મ્યુનિ.હદ વિસ્તારમાં સમાવેશ કરાયો હતો.
તંત્ર દ્વારા આ સઘળા નવા વિસ્તારને આસપાસના વોર્ડના ભાગ બનાવી દેવાયા હતા એટલે અત્યારના ૪૮ વોર્ડના માળખાને જાળવી રખાયું હતું અને નવો સ્વતંત્ર વોર્ડ બનાવાયો નહોતો. બોપલ-ઘુમાનો અલગ વોર્ડ બનાવાશે તેવી ચર્ચાઓ ઊઠી હતી, પરંતુ મ્યુનિ.સત્તાવાળાઓએ બોપલ-ઘુમાનો સ્વતંત્ર વોર્ડ બનાવવાના બદલે તેના ત્રણ ટુકડા કરી તેને બોડકદેવ, જાેધપુર અને થલતેજ વોર્ડમાં ભેળવી દેવાયો હતો.
મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પણ આપણું અમદાવાદ આખરે સ્વચ્છ કેમ દેખાતું નથી ? તેવી અણિયારી ટકોર કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બરાબરની ખબર લઈ લીધી હતી, જાેકે બોપલ-ઘુમા વિસ્તારમાં તો આ વિભાગની કામગીરી નિરાશાજનક છે.
આશરે ૧૫ મહિના પહેલાં આ વિસ્તારોનો મ્યુનિ.કોર્પાેરેશનમાં સમાવેશ કરાયો હોવા છતાં સફાઈની સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો નથી. આમ તો બોપલ-ઘુમાના રહેવાસીઓ સુધી નર્મદાનું પાણી પહોંચતું કરવા તંત્ર પ્રયત્નશીલ હોઈ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કાં તો અમલમાં મુકાઈ ગયા છે અથવા તો તેના પર કામ ચાલી રહ્યું છે.
જાેકે બોપલનાં પાંચ હજારથી વધુ ઘરમાં નર્મદાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. ઘુમામાં પણ હર હર નર્મદેનો નાદ ગૂંજતો કરવા તંત્રે પાણીની સાત ટાંકી બનાવવા લીધી છે. સિવિક સેન્ટર સહિત અન્ય પ્રકારની મ્યુનિ.સુવિધાઓ પૂરી પાડવાના મામલે પણ સત્તાવાળાઓને સફળતા મળી છે,
પરંતુ અગમ્ય કારણસર સફાઈના મામલે લોકોને પરેશાન થવું પડે છે. તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં સર્વાેચ્ય લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ બોપલ-ઘુમામાં થતાં સફાઈનાં ધાંધિયાનો મુદ્દો ઊઠ્યો હતો. મ્યુનિ.હદ વિસ્તારમાં સમાવેશ થયેલા આ વિસ્તારોને મહિનાઓ થવા છતાં સફાઈ કર્મચારીઓની સંખ્યા પૂરતી નથી.
બોપલ-ઘુમામાં સફાઈ કર્મચારીઓની ઘટને ઓછી કરવાના પ્રયાસો અપૂરતા પુરવાર થયા છે એટલે રોડ પરના ક્ચરાના ઢગલાનો ઝટ નિકાલ થતો નથી. બોપલ-ઘુમામાં ડોર ટુ ડોરની કામગીરી કરતી કચરાગાડીઓ પણ નિયમિત ક્ચરો લેવા આવતી નથી, જેના કારણે ગૃહિણીઓ ભારે નારાજ છે.