ગંદકી કરવા બદલ સ્ટેશનરીની દુકાન અને ગીફ્ટ શોપ સીલ કરાયા
ઘુમા ગામના બે એકમને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરાયાં -ઉત્તર પશ્ચિમ ઝોનનાં ૮૮ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ
અમદાવાદ, શહેરને સ્વચ્છ રાખવાની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે નવા સમાવાયેલા વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં સમાવેશ ધરાવતા બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ સક્રિય બની છે અને રોજેરોજ સઘન ચેકિંગ કરવામાં આવી ર હ્યું છે.
તંત્ર દ્વારા જાહેર માર્ગ પર ગંદકી કે ન્યુસન્સ કરવા ઉપરાંત શાકભાજી વેચતા ફેરિયા અને પાનના ગલ્લા-ચાની કીટલી પર વપરાતા પ્રતિબંધિત પેપર કપ અને પ્લાસ્ટિક સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડિરેકટરના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસમાં તંત્ર દ્વારા સમગ્ર ઝોનના કુલ ૧૦૪ જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ૮૮ એકમને નોટિસ ફટકારવામાં આવી હતી. સમગ્ર ડ્રાઈવ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પ.૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને કસૂરવારો પાસેથી રૂ.૧,૩૭,૮૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો ગઈકાલે થલતેજ વોર્ડના ઘુમા ગામમાં ત્રાટકી હતી. ઘુમા ગામમાં આવેલા જય ભવાની સ્ટેશનરી અને ચામુંડા ગિફટ શોપ નામના બે એકમને જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ સીલ કરી દેવામાં આવ્યા હતા.
જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અનુસાર શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરવાના ગુનાસર આ બે એકમો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.