૨૨ કરોડનો ખર્ચે બોપલ-ઘુમામાં વરસાદી પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશન બનાવાશે
( પ્રતિનિધિ) અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઔડામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવેલા બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
બોપલ અને ઘુમા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાખી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોતા ગોધાવી કેનાલમાં કરવામાં આવશે. બોપલ અને ઘુમા બંને તળાવો નજીક આ પમ્પિંગ સ્ટેશન બનાવવા અને લાઈન નાખવા માટે કુલ રૂ. ૨૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
જે અંગેની દરખાસ્ત આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. બોપલ વિસ્તારમાં રહેતી અંદાજિત ૬૦,૦૦૦થી વધુ વસ્તીને વરસાદી પાણીના નિકાલથી ફાયદો થશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, શહેરના બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અવડા દ્વારા જૂની લાઈનો ગુમા અને બોપલ તળાવમાં નાખવામાં આવેલી છે.
જોકે, વિસ્તારનો વિકાસ થયો છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી બોપલ અને ઘુમા તળાવ પાસે નવું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ઘુમા તળાવ નજીક ૮૬ સ્ન્ડ્ઢ કેપેસિટીના પંપમાં બે ર્વકિંગ અને એક સ્ટેન્ડ બાય પંપ રહેશે. ૯૦૦ એમ.એમ ડાયામીટરની લાઈન નાખી અને વરસાદી પાણીનો નિકાલ ગોતા ગોધાવી કેનાલમાં થશે.
બોપલ તળાવ પાસે ૫૬ સ્ન્ડ્ઢ કેપેસિટીનું વરસાદી પાણીના નિકાલ માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવનાર છે જેમાં બે ર્વકિંગ અને એક સ્ટેન્ડ બાય પંપ રહેશે. જેના માટે ૧૨૦૦ એમ.એમ ડાયામીટરની રાઈઝીંગ લાઈન નાખવામાં આવશે જેને ગોતા ગોધાવી કેનાલમાં જોડાણ કરવામાં આવશે જેથી વરસાદી પાણીનો નિકાલ સીધો કેનાલમાં થશે. બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને લઈને આ વિસ્તારની ૬૦ હજારથી વધારે પ્રજાને ફાયદો થશે.