ગંદકી અને ગટરના પાણીથી ભરાયેલું છે બોપલ તળાવ
તળાવની બિસ્માર હાલત, બગીચો પણ ગટરના પાણીમાં ડૂબી ગયો
અમદાવાદ,શહેરમાં આમ તો ઘણાં નાના-મોટા તળાવો આવેલા છે, પરંતુ તેમાંના મોટાભાગના શોભાના ગાંઠિયા સમાન છે. નાગરિકો માટે તે તળાવ ઉપયોગી સાબિત થવા કરતા નુકસાનકારક વધારે સાબિત થાય છે. તેમાંનું એક ઉદાહરણ છે બોપલ વિસ્તારનું એકમાત્ર તળાવ. આ આખું તળાવ ગંદકી અને ગટરના પાણીથી ભરાયેલું છે.
પાંચ હેક્ટર સુધી ફેલાયેલા આ તળાવમાં દરરોજ સવારે એટલી દુર્ગંધ આવે છે કે નજીકની સોસાયટીમાં રહેતા લોકો પરેશાન થઈ જાય છે. લગભગ એક દશક પહેલા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી વચન આપવામાં આવ્યુ હતું કે આ તળાવના પુનર્રુત્થાનનું કામ હાથ ધરવામાં આવશે.
આટલુ જ નહીં, લેક ઈન્ટરલિંકિંગ પ્રોજેક્ટના ભાગ રુપે વરસાદી પાણીની લાઈનો નાખવા માટે પાંચ કરોડ રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું પણ કહી શકાય કે થોડા જ વર્ષોમાં તેના પર જાણે પાણી ફરી વળ્યું. બોપલ તળાવ એક ગંદકીનું સ્થળ બની ગયું.
સોસાયટીઓ દ્વારા ગટરની લાઈન આ વરસાદી પાણીના લાઈન સાથે જાેડવાને કારણે તળાવની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ. હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ૨-૩ વરસાદમાં તો તળાવ છલોછલ ભરાઈ જાય છે. તળાવની આસપાસ તૈયાર કરવામાં આવેલા બાળકોને રમવા માટેના વિસ્તારમાં તેમજ ચાલવા માટે તૈયાર કરવામાં આવેલા ટ્રેક પર પણ પાણી ભરાઈ જાય છે.
મેડિટેશન માટે જે એક સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. લોકો માટે આ તમામ સુવિધાઓ કોઈ કામની નથી રહેતી. જે લોકોએ વિસર્જન માટે ભગવાન ગણેશની મૂર્તિને બોપલ તળાવમાં લઈ જવાની તૈયારી કરી હતી તેમણે પણ તળાવની સ્થિતિ અને ગંદકી જાેઈને બાપ્પાનું વિસર્જન પોતાના ઘરમાં જ બકેટમાં કરવાનો ર્નિણય લીધો હતો.
ડીપીએસ સ્કૂલ નજીક રહેતા એક બેન્ક અધિકારી મયંક પાંડે જણાવે છે કે, બોપલ વિસ્તારના મોટાભાગના લોકો ચાલવા માટે અથવા તો બાળકોને લઈને ઘુમા લેક જતા હોય છે, જે લગભગ પાંચ કિમી દૂર છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
આ વિસ્તારમાં રહેતા હાર્દિક લાખાણી જણાવે છે કે, અહીં ગંદકીને કારણે મચ્છર એટલા વધી ગયા છે અને મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગ ફેલાવવાનો ભય પણ રહે છે. બોપલ તળાવની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણી વાર આ બાબતે ફરિયાદ કરી છે.
હાર્દિક લાખાણી જણાવે છે કે, અમે AMCમાં ફરિયાદ કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી. સ્થાનિકોનો આરોપ છે કે પાછલા પાંચ વર્ષથી અહીંની સ્થિતિ આવી છે. ગત સપ્તાહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તંત્રને ચેતવણી આપી હતી કે, જાે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.ss1