બોરસદઃ ધસમસતા પ્રવાહ અને ધોધમાર વરસાદમાં વિદ્યાર્થીઓ ફસાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Borsad-1.webp)
બોરસદ, રાજ્યમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોરસદના સારોગ ગામનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓનું વરસતા ભારે વરસાદમાં ગામ લોકોએ રેસ્ક્ય કર્યુ હતુ.
ધસમસતા પ્રવાહમાં ગામ લોકોએ દોરડાથી વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો હતો. નોંધનીય છે કે, વરસતા વરસાદમાં બોરસદ ગામ જળબંબાકાર થઇ ગયુ છે. આ વાયરલ વીડિયો ગઇકાલનો છે હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આણંદ જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઇ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક તંત્રને ચોવીસ કલાક હેડ ક્વાર્ટર પર રહેવા અને તમામ તકેદારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ બોરસદના વન તળાવ વિસ્તારમાં ગત રાત્રે ફરી વાર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મંગળવાર સવારથી સાંજના ૪ વાગ્યા સુધી સામાન્ય વરસાદ વરસ્યો હતો.
મોડીસાંજે આંકલાવ, બોરસદ, આણંદ સહિતના વિસ્તારમાં પવનના સુસવાટા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આણંદ અને આંકલાવમાં સાંજના ૪ વાગ્યા પછી ધોધમાર વરસાદ પડતાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.SS1MS