જામફળ અને અંજીરનો પલ્પ કાઢી તેનો જામ બનાવી પાકનું મૂલ્યવર્ધન કરતાં રેખાબેન વઘાસિયા

પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરતું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું પાવર કપલ: વઘાસિયા દંપતી
હવે ગુજરાતના ખેડૂતો ગ્લોબલ બન્યા : બોટાદના પ્રાકૃતિક કૃષિથી પકવેલા લાલ-ગુલાબી અંજીરીયા જામફળની બોલબાલા
વીઘે બે લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે બોટાદ જિલ્લાના ખેડૂતો: સામાન્ય રીતે વીઘામાં 25- 50 હજાર રૂપિયાની કમાણી કરતા હતા : નાયબ બાગાયત નિયામકશ્રી
બોટાદ, બોટાદના જામફળનો સ્વાદ ચાખવા તો દૂર દેશમાં રહેતા લોકો પણ અધિરા થઈ જાય છે. અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી પકવેલા લાલ-ગુલાબી અંજીરીયા જામફળની તો શું વાત જ કરવી?
રાજ્ય સરકારના નિરંતર પ્રયાસોની ફળશ્રૃતિ રૂપે હવે ગુજરાતના ખેડૂતો ગામડાંના નહીં પરંતુ ગ્લોબલ બન્યા છે. ત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આ પાવર કપલને મળીએ. બાગાયતી પાકોનું વાવેતર કરતા રેખાબેન અને દિનેશભાઈ વઘાસિયા બોટાદ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શનથી હવે આ પાકોનું મૂલ્યવર્ધન પણ કરી રહ્યાં છે.
કોઈપણ નવી ટેકનોલોજી આવે ત્યારે આ વઘાસિયા દંપતી તેને અપનાવવા માટે હંમેશા તત્પર હોય છે. પોતાની તમામ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા આ વઘાસિયા દંપતીએ ધીમે ધીમે બાગાયતી પાકો તરફ વળીને ખાસ કરીને જામફળનું નોંધપાત્ર વાવેતર કર્યુ છે અને તેમાં પણ ઉપજનું મૂલ્યવર્ધન કરીને સમગ્ર ગુજરાતમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે, એટલું જ નહીં વિદેશમાં પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરીને સારામાં સારું વળતર મેળવે છે.
રેખાબેન વઘાસિયાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે 1995થી ખેતી કરી રહ્યા છીએ. આમ તો અમને ખેતી તરફ વળવાની પ્રેરણા મારા સસરા તરફથી વર્ષ 1984માં મળેલી હતી. અમે ખેતીમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કરતા, માત્ર ગૌમુત્ર, છાણ અને છાશનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. અત્યારે અમારી વાડીમા 400 સીતાફળ, 300 બોરડી, 300 જમરૂખ, 100 આમળા, 100 અંજીર અને 450 આંબાના ફળાવ ઝાડ છે.
અમે ઘણા સમયથી જામફળની ખેતી કરી રહ્યા છીએ. જેમાં રાજ્ય સરકારનું બાગાયત ખાતું સતત અમારી પડખે છે. ગયા વર્ષે પણ અમેં જમરૂખનું ઉત્પાદન મેળવ્યું હતું, પરંતુ યોગ્ય જાણકારીના અભાવે તેમજ ફાળમાખીના ઉપદ્રવના કારણે અમારો 90% જેટલો પાક નિષ્ફળ થયો હતો.
અને આ વર્ષે ફરી બાગાયત વિભાગ બોટાદના સતત સંપર્કમાં રહી અમે જમરૂખ ઉત્પાદન લઇ રહયા છીએ અને તેમના માર્ગદર્શન પ્રમાણે પગલાં લીધા, જામફળના બગીચા મા ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કર્યો જેથી ઉત્પાદન ખુબ વધ્યું છે ગત વર્ષે જે જામફળ સડી જતાં હતાં તેના બદલે આ વર્ષે અમે અમારા 90% જામફળ બચાવી શક્યા છીએ.”
વધુમાં રેખાબેને જણાવ્યું હતું કે, “જમરૂખમાંથી અમે આ વર્ષે નાયબ બાગાયત નિયામક શ્રી, બોટાદના માર્ગદર્શન મુજબ મૂલ્યવર્ધન કરવાનું નક્કી કર્યું, અને જમરૂખના પલ્પમાંથી જામ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છીએ. સાથોસાથ અમે બાગાયત વિભાગની સહાયથી આગમી વર્ષે અમારા ખેતર પર જ કોલ્ડ સ્ટોરેજ ઉભો કરી રહ્યા છીએ. જેમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો રાખી શકાશે.”
બાગાયત વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી સહાય અંગે વાત કરતા રેખાબેને જણાવ્યું હતું કે, “પેક હાઉસની સહાય, પેકિંગ મટીરીયલ ઉપરાંત જે ફળ-ઝાડનું વાવેતર કર્યું છે તેના વાવેતરમાં પણ અમને બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે. અમે તાજેતરમાં પાકના મૂલ્યવર્ધન માટે પલ્પ મશીનની ખરીદી કરી છે તેની પણ સહાયની મંજૂરી અમને બાગાયત વિભાગ તરફથી મળી છે.
પાકનું મૂલ્યવર્ધન કેવી રીતે કરવું તેની અમારી પાસે કોઈ પણ પ્રકારનો માહિતી ન હતી પરંતુ બોટાદ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા અમને જરૂરી તમામ માહિતી પ્રાપ્ત થઈ. તેથી અમે જામફળ અને અંજીરનો જામ બનાવીને બજારમાં વેચાણ કરી રહ્યા છીએ. 1000 રૂપિયા કિલો સુધીના ભાવે અમારો આ જામ બજારમાં ઉપલબ્ધ છે. અમારા ખેતરના આઉટલેટ પરથી જ લોકો આવીને ખરીદી કરી જાય છે, વિદેશોમાંથી પણ પાર્સલ મંગાવવામાં આવે છે.”
બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળાએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સામાન્ય રીતે વીઘામાં 25- 50 હજાર રૂપિયાના કમાણી કરતા હતા, પરંતુ હવે પાકોના મૂલ્યવર્ધન થકી વીઘે બે લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે.
બોટાદના અંજીરીયા જામફળનું ખૂબ સારું મૂલ્યવર્ધન થઈ રહ્યું છે. આ ઉત્પાદનોને પ્રોસેસીંગ કરવા તથા સાચવવા માટે કે સંગ્રહ કરવા માટે પણ બાગાયતી પાકોના પ્રોસેસીંગ યુનિટ તથા કોલ્ડ સ્ટોરેજ જેવી યોજનાઓ થકી બાગાયત વિભાગ સતત ખેડૂતોની મદદે છે. માટે હું તમામ ખેડૂતોને અનુરોધ કરું છું કે આપ જે પણ જિલ્લામાં રહેતા હોય ત્યાંની બાગાયત વિભાગની કચેરીનો અવશ્ય સંપર્ક કરશો અને કર્મયોગીઓની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે જો તમે પાકોનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન કરશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે.”
અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ત્યારે રેખાબેન અને દિનેશભાઈ વઘાસિયા સમગ્ર બોટાદ જિલ્લાના ખેડૂતોની પ્રેરણા બન્યા છે.