બોટાદમાં નવી સિવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ બનશે
૭૪મું પ્રજાસત્તાક પર્વ-બોટાદ જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયા બોટાદને મળી વિશેષ ભેટ
૭૪મું રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ બોટાદમાં યોજાયું છે. મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી. ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
અઢી કરોડ રૂપિયા આ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા નગરોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને ફાળવાશે. ગ્રામ પંચાયતો-ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામો માટે અઢી કરોડ રૂપિયા જિલ્લા વિકાસ અધિકારીને ફાળવાશે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં લોકોને આધુનિક આરોગ્ય સારવાર સેવા માટે દૂર સુધી જવું ન પડે તેની પૂરતી ચિંતા સરકારે કરી છે. હાલ અહીં પચાસ બેડની જિલ્લા હોસ્પિટલ કાર્યરત છે તેની સાથે નવી હોસ્પિટલ અને નવી મેડીકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
અહીં મેડીકલ કોલેજ શરૂ થવાથી આવનારા દિવસોમાં બોટાદના વિદ્યાર્થીઓને બોટાદમાં જ મેડીકલ એજ્યુકેશન મળશે. આ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સ્થાપનાની કામગીરી પણ ટુંક સમયમાં શરૂ થઇ જશે એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે સાથે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના બધા જ નગરોમાં ડેવલપમેન્ટ પ્લાન કરવાની આ સરકારની નેમ છે. આજે બોટાદ શહેર માટે આવા જ રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવાની જાહેરાત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.
૨૦૩૧માં બોટાદ નગરની વસતી અને વિકાસની સંભાવના તથા અંદાજો ધ્યાનમાં લઇને આ ડી.પી નું આયોજન કરાયુ છે. ૩૭૪૦ હેક્ટરની આ ડી.પી માં આવાસો-મકાનો બાંધવા માટે રપ૦૦ હેક્ટર જમીન, જાહેર હેતુ માટે ૩૩૦ હેક્ટર જમીન અને ભવિષ્યના ઔદ્યોગિક વિકાસની જરૂરિયાત માટે ૧ર૭ હેક્ટર જમીન નિયત કરી છે.
બોટાદ શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે માટે અમદાવાદની જેમ જ ૪૦ મીટરનો રિંગરોડ બોટાદ શહેર ફરતે સૂચવાયો છે. રિંગ રોડની બન્ને સાઇડ રેસીડેન્સિયલ ઝોન સૂચવ્યો છે જેથી રોડની હદથી ર૦૦ મીટર વિકસિત ઝોનમાં ૪ સુધીની FSI મળશે.નાના અને મધ્યમ વર્ગને પોષાય તેવા દરે મકાનો પણ આનાથી ઉપલબ્ધ થશે.