લાખોની ઘરફોડ ચોરી કરી ફરાર થનાર બંને ઘરઘાટી ઝડપાયા
(એજન્સી)સિલવાસા, જાે આપ ઘરમાં કોઈપણ જાતની ખાતરી કે ઓળખ વિના કોઈ ને નોકર તરીકે રાખી રહ્યા હોય તો ચેતી જજાે. કારણ કે ખાતરી કર્યા વિના રાખેલા નોકર કોઈ દિવસ આપના ઘરની તિજાેરીનું તળિયું પણ સાફ કરી શકે છે. અને તમને લૂંટાવાનો વારો આવી શકે છે.
આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દાદર હવેલીમાં બની છે. જાે કે ચોંકાવનારી વાતે છે કે ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર અજાણ હતું. પરંતુ વાપી ટાઉન પોલીસે જાણ કર્યા બાદ પરિવારને જાણ થઈ હતી કે તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી.
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં આવેલા આ બંગલામાં થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી. જાેકે ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર તેનાથી અજાણ હતું. પરંતુ પરિવારને વાપી ટાઉન વાપી પોલીસે જાણ કર્યા બાદ જ ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
બનાવની માહિતી એવી છે કે, વાપી ટાઉન પોલીસ ગણેશ મહોત્સવ દરમિયાન રાત્રી પેટ્રોલિંગમાં હતી. એ વખતે વાપીના ગીતા નગર પોલીસ ચોકી નજીક એક રીક્ષામાં બેસેલા બે યુવકોની વર્તુંણક શંકાસ્પદ લગતા પોલીસે રિક્ષા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતું રીક્ષામાં સવાર બે યુવકો પોલીસને જાેઈને ભાગ્યા હતા. આથી પોલીસની શંકા વધુ મજબૂત થતાં પોલીસે પીછો કરી આ બંનેને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા યુવકો પાસેથી મળેલી બેગ ખોલી જાેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બેગમાં લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હોવાનું દેખાયું હતું.
આથી પોલીસે બેગમાં રહેલા લાખો રૂપિયાના મુદ્દા માલ સહિત બંને આરોપીઓની અટકાયત કરી ૨૦ લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે.