નડિયાદમાં બે બાઈક સામસામે ભટકાતાં બંને ચાલકોના મોત નિપજ્યા
નડિયાદ, નડિયાદમાં ગત મોડી રાત્રે બે મોટર સાયકલો સામસામે અથડાતાં બંને મોટર સાયકલોના ચાલકોને ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા હતા. આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં કિશન સમોસાના ખાંચા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય લાલાભાઈ રમણભાઈ તળપદા ગતરોજ ચૈત્રી આઠમ હોવાથી પોતાના દીકરા સુરેશ (ઉં.વ.૨૦) સાથે મોટર સાયકલ લઈને પિતા-પુત્ર બોરડી વિસ્તાર ફતેપુરા રોડ ખાતે ગયા હતા.
દરમ્યાન સુરેશે પોતાના પિતાને કહેલ કે હું ચકલાસી ભાગોળ માતાજીના દર્શન કરી પરત આવું છું તેમ કહી મધરાત બાદ પોતાનું મોટર સાયકલ નં. જીજે-૦૭, ઈજે-૦૮૨૯ ચલાવીને નીકળ્યો હતો. આ દરમ્યાન ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર આવેલ શુભમ સોસાયટી પાસે સામેથી આવતા મોટર સાયકલ સાથે સુરેશે પોતાનું વાહન અથડાવ્યું હતું.
ઘટનામાં બાઈક ચાલક સુરેશ તળપદા અને સામાવાળા બાઈકચાલક રાકેશભાઈ રમેશભાઈ તળપદા (રહે. કમળા ચોકડી, નડિયાદ) અને રાકેશની મોટરસાયકલ પાછળ બેઠેલા તરૂણભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ત્રણેય લોકો રોડ પર પટકાતા માથા તેમજ શરીરના ભાગે ઈજા થઈ હતી. આ પૈકી બાઈક ચાલક સુરેશ તળપદા અને રાકેશભાઈ તળપદાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
જ્યારે તરૂણને ગંભીર ઈજાઓ થતાં તેણીને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. આ બનાવ મામલે લાલાભાઈ રમણભાઈ તળપદાએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.HS1MS