સુખદેવ સિંહની હત્યામાં બંને શૂટરો ઓળખાઈ ગયાઃ પંજાબમાં ઘડાયું કાવતરું
નવી દિલ્હી, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં જ હત્યા કરવામાં આવ્યા પછી રાજસ્થાન હચમચી ગયું છે. હજુ બે દિવસ અગાઉ જ રાજસ્થાનમાં રાજકીય પરિવર્તન આવ્યું છે અને ત્યાં રાજપૂતોના મોટા આગેવાનની હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું કહેવામાં આવે છે.
આ દરમિયાન સુખદેવ સિંહની હત્યા કરવા આવેલા બે હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનાના તાર પંજાબની ભટિંદાની જેલ સુધી પહોંચતા હોવાનું જાણવા મળ્યું છે જ્યાં હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કરણી સેનાએ આજે રાજસ્થાન બંધનું એલાન આપેલું છે. શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ પર ગોળીઓનો વરસાદ કરનારા બે આરોપોઓ ઓળખાઈ ગયા છે.
બેમાંથી એક આરોપી રોહિત રાઠોડ નાગોરનો વતની છે જ્યારે બીજાે નિતીન ફોજી હરિયાણાના મહેન્દ્ર ગઢનો છે. અત્યારે બંને આરોપીઓ ફરાર છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખી લીધા છે, પરંતુ તેમણે કયા કારણથી હત્યા કરી તે જાણી શકાયું નથી. આજે બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલીક જગ્યાએ શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.
રાજસ્થાનમાં આજે તણાવનો માહોલ હોવાનું જણાય છે તેના કારણે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના નેશનલ પ્રેસિડન્ટે તો હુમલાખોરોને પકડવાના બદલે તેમનું સીધું એન્કાઉન્ટર કરવાની માંગણી કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ કેસમાં ન્યાય નહીં થાય ત્યાં સુધી સુખદેવ સિંહની અંતિમવિધિ કરવામાં નહીં આવે અને નવી સરકારની શપથવિધિ પણ થવા નહીં દેવાય. આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે તેથી હત્યારાઓ બચી જાય તેવી કોઈ શક્યતા નથી. હત્યારાઓની સાથે આવેલી ત્રીજી વ્યક્તિને ઘટનાસ્થળે જ ગાર્ડ્સ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. આખી ઘટના પ્રમાણે કપડાના વેપારી નવીન શેખાવત સાથે બે યુવકો સુખદેવ સિંહ ગોગામેડીના ઘેર આવ્યા હતા. તેઓ સોફા પર બેસીને વાતો કરતા હતા.
સુખદેવ સિંહે તેમને નાસ્તો પણ કરાવ્યો હતો. આ દરમિયાન સુખદેવ સિંહના મોબાઈલ પર એક ફોન આવ્યો. સુખદેવ સિંહે ફોન ઉઠાવતા જ એક યુવકે ઉભા થઈને ગોળીબાર શરૂ કરી દીધો. બીજા યુવાને પણ પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બંને યુવકોએ નવીન શેખાવત પર પણ ફાયરિંગ કર્યું હતું. સુખદેવ સિંહના માથામાં એક ગોળી વાગવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસે જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ કુલ ૧૭ વખત ફાયરિંગ કર્યું હતું. માત્ર ૨૦ સેકન્ડમાં ૬ ગોળી છોડવામાં આવી હતી. આરોપીઓ એક એસયુવી કારમાં બેસીને આવ્યા હતા જેને પોલીસે જપ્ત કરી લીધી છે. આરોપીઓએ હત્યા કર્યા બાદ એક સ્કૂટી સવારને નિશાન બનાવ્યો અને તેને ગોળી મારીને પાડી દીધો હતો. ત્યાર પછી તેની સ્કૂટી લઈને ભાગી ગયા.SS1MS