લિટન દાસ સાથે બાખડ્યો બોલર મોહમ્મદ સિરાજ
નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. જાેકે, મેચના બીજા દિવસે ગુરૂવારે મેચમાં થોડો તણાવ ઊભો થયો હતો. જેમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને બાંગ્લાદેશી બેટર લિટન દાસ વચ્ચે તકરાર થઈ હતી.
આ બધુ ત્યારે થયું જ્યારે સિરાજે પોતાની બોલિંગ બાદ લિટન દાસને અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન લિટન દાસે પણ ઈશારામાં સામે જવાબ આપ્યો હતો કે, હું તને સાંભળી શકતો નથી. જાેકે, ત્યારપછીના જ બોલ પર સિરાજે લિટન દાસને બોલ્ડ કર્યો હતો. ત્યારે સિરાજે લિટન દાસને તેના જેવા જ ઈશારામાં જવાબ આપ્યો હતો. તેમાં વિરાટ કોહલી પણ સામેલ થયો હતો.
ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ વિકેટ બાદ શાંત થયેલા પ્રેક્ષકો તરફ ઈશારો કર્યો હતો. આ દરમિયાન સિરાજનું રિએક્શન પણ કેમેરામાં કેદ થઈ ગયું હતું. લિટન દાસે બાંગ્લાદેશી ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ૩૦ બોલમાં ૨૪ રન નોંધાવીને તે આઉટ થઈ ગયો હતો.
આ પહેલા મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવના ઝડપી બોલિંગ આક્રમણે બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. ઈનિંગ્સના પ્રથમ બોલ પર જ સિરાજે ડાબોડી બેટર નજમુલ હુસૈન શંટોને રિશભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહેલા ઉમેશ યાદવે બાદમાં યાસિર અલીને પેવેલિયન ભેગો કર્યો હતો. બાદમાં સ્પિનર કુલદીપ યાદવે તરખાટ મચાવી દીધો હતો. તેણે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ખેરવી હતી.
ઉમેશ યાદવને એક સફળતા મળી હતી. બુધવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે છ વિકેટે ૨૭૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. શ્રેયસ ઐય્યર ૮૨ રને રમી રહ્યો હતો. જાેકે, ઐય્યર બીજા દિવસની શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો. તે પોતાના સ્કોરના વધારે રન ઉમેરી શક્યો ન હતો.
ઐય્યર ૧૯૨ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૮૬ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેકે, બાદમાં રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે મહત્વની બેટિંગ કરીને ભારતનો સ્કોર ૪૦૦ રન સુધી પહોંચાડ્યો હતો. જેમાં અશ્વિને અડધી સદી ફટકારી હતી.
અશ્વિને ૧૧૩ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૮ રન ફટકાર્યા હતા. જ્યારે કુલદીપ યાદવે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ પ્રથમ દિવસે ચેતેશ્વર પૂજારાએ ૯૦ રનની ઈનિંગ્સ રમી હતી. બાંગ્લાદેશ માટે તાઈજુલ ઈસ્લામ અને મેંહદી હસન મિરાજે ચાર-ચાર વિકેટ ખેરવી હતી. જ્યારે ઈબાદત હુસૈન અને ખાલીદ અહેમદને એક-એક સફળતા મળી હતી.SS1MS