દિવાળીના તહેવાર નિમિત્તે બી.પી.એલ. રેશનકાર્ડધારકોને ૧ કિ.લો. ખાંડ અને તેલનું વિતરણ કરાશે
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની ૫ જેટલી દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાંથી ૪ દરખાસ્તને મંજૂર કરાઇ હતી. પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની દુકાનોને ૧૦૦ ટકા ઇ.એેફ.પી.એસ કરવામાં આવેલી છે.
બેઠકમાં પુરવઠા વિષયક કામગીરીની ચર્ચા દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આર. કે. ખરાડી માહિતી આપતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં સપ્ટેામ્બર-૨૦૨૨ દરમ્યાન ૧૦૦- એફ.પી.એસ.ની તપાસણી કરવામાં આવેલ છે. જેમાં રૂ. ૩,૧૧,૯૩૩/-ની કિંમતના અનઅધિકૃત ગેસના બોટલનો જથ્થો રાજ્યસાત કરવા હુકમ કરવામાં આવ્યો છે તથા ૧ પરવાનો મોકુફ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧૦૧૫ વ્યાજબી ભાવની દુકાનો મારફત લોકો સુધી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જિલ્લામાં કુલ-૫૬ ગેસ એજન્સીઓ મારફત ગેસની બોટલનું વિતરણ કરવામાં આવે છે. આગામી દિવાળીના તહેવાર નિમિત્તે બી.પી.એલ. રેશનકાર્ડધારકોને દર મહિને નિયમિત મળતા જથ્થા ઉપરાંત ૧ કિ.લો. ખાંડ અને તેલનું વિતરણ કરવામાં આવશે.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી નથાભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રીમતી ગેનીબેન ઠાકોર, નિવાસી અધિક કલેકટરશ્રી રીટાબેન પંડ્યા, સમિતિના સભ્યો સર્વશ્રી કેશરસિંહ રાજપૂત, શ્રી નિલેશભાઇ મોદી, શ્રી ગણપતભાઇ રાજગોર, શ્રી રાજાભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી દલપતભાઇ બારોટ સહિત સભ્યશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.