બ્રેઈન ઈમ્પ્લાન્ટ બદલી નાખશે દુનિયા
વાળથી પણ પાતળી લેટર-૭ ચીપનું નિર્માણ, હ્યુમન ટ્રાયલની તૈયારીઃ સફળતા મળી તો હાથના ઉપયોગ વિના વિચાર માત્રથી થવા લાગશે કામઃ ક્લિનિકલ ટ્રાયલમાં વાંદરો કોમ્પ્યુટર ચલાવતો થઇ ગયો
જમાનો ટેકનોલોજીનો છે, નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. એ દિવસો હવે બહુ દૂર નથી જ્યારે વિચાર માત્રથી સોશિયલ મીડિયા સહિત ઘણું બધું ઓપરેટ કરી શકાશે. જરૂરી ચીજાે-ગેઝેટનો ઉપયોગ કરવા બે હાથની જરૂર નહીં રહે. વૈજ્ઞાનિકો જે ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે તે જાેતાં આગામી સમયમાં દુનિયા કલ્પનાતિત બદલાઈ જશે.
આશ્ચર્ય જરૂર થશે પરંતુ હકીકત છે, વૈજ્ઞાનિકો એવી શોધ પર કામ કરી રહ્યા છે જેમાં બ્રેઈન ઈમ્પ્લાન્ટથી ટીવી, કોમ્પ્યુટર, મશીન, સોશિયલ મીડિયા ઓપરેટ કરી શકાય. અત્યંત સુક્ષ્મ ચીપ લેયર-૭ કોર્ટિકલ ઈન્ટરફેસ બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. એવી ટેકનોલોજી પર સંશોધન થઈ રહ્યું છે.
જેમાં એક વાળથી પણ પાતળી ચીપ માનવ મસ્તિકમાં સ્થાપિત (ઇમપ્લાન્ટ) કરવામાં આવશે. ૧ મીમીથી પણ પાતળી ચીપ લગાવી દેવાયા બાદ મગજના માધ્યમથી માત્ર વિચાર કરીને ઘણું બધુ ઓપરેટ કરી શકાશે. સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કરવું હોય, લખવું હોય કે જાેવું હોય કે ટીવીની ચેનલ બદલવી તો વિચાર કરવાથી થઈ જશે.
હાલ ટીવી કે મોબાઈલ ફોન ઓપરેટ કરવો હોય તો હાથનો ઉપયોગ કરવો પડે છે, ભવિષ્યમાં એવી ટેકનોલોજી આવી જશે કે મસ્તિકમાં ઉદ્ભવતાં વિચાર માત્રથી સોશિયલ મીડિયા ઓપરેટ થશે. આ ટેકનોલોજી માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી. મગજને લગતી ગંભીર બીમારીઓ, પેરાલિસીસના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બની રહેશે. હાથ કે આંગળીઓ ગુમાવી ચૂકેલાઓ આ ટેકનોલોજીની મદદથી સોશિયલ મીડિયા સહિત ઘણાં ઉપકરણોનું સ્વયં સંચાલન કરી શકશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરની ખરીદી બાદ સતત ચર્ચામાં રહેતા દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ ટેસ્લા કાર ફેમ એલન મસ્ક મસ્તિક ચીપની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. બ્રેઈન ઈમ્પ્લાન્ટ ટેકનોલોજીના વિકાસમાં એલન મસ્કની કંપની લાગેલી છે. જેણે વાંદરાને મસ્તિકમાં ચીપ લગાડી કોમ્પ્યુટર પર કામ કરતો કરી દીધો છે. નજીકનાં ભવિષ્યમાં માનવ પરીક્ષણની તૈયારીઓ ચાલી રહી છે. બ્રેઈન ઈમ્પ્લાન્ટ ક્ષેત્રે વૈજ્ઞાનિકો ઘણાં આગળ નીકળી ચૂક્યા છે. વૈજ્ઞાનિકોની યોજના એવો આવિષ્કાર કરવાની છે જે ટેકનોલોજીને ધરમૂળથી બદલી નાંખશે. મનુષ્યોનું હાથ પરનું ભારણ ઘટી જશે.
અનેક દેશોમાં પ્રયોગો થઈ રહ્યા છે, વૈજ્ઞાનિકોએ સૂક્ષ્મ જે ચીપ વિકસિત કરી છે તે આરંભે લકવાગ્રસ્ત અને શારીરિક રીતે અક્ષમ દર્દીઓને ધ્યાને રાખી કરાઈ હતી પરંતુ આ ટેકનોલોજીનો તેથી વધુ ઉપયોગ કરવા સંશોધન ચાલી રહ્યા છે. જે લોકો પોતાના અંગોનો ઉપયોગ કરી શકતાં નથી તેમણે કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન કે પછી કાર ચલાવવી હોય તો
હાથ-પગના વિકલ્પ તરીકે બ્રેઇમ ઇમ્પ્લાન્ટ ઉપયોગી નિવડશે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ લોકો પણ ઈચ્છે તો આ ટેકનોલોજીનો પોતાની સાનુકૂળતા માટે ઉપયોગ કરી શકશે. જાે કે તે માટે બ્રેઈન ઇમ્પ્લાન્ટ કરાવવું પડશે. એલન મસ્કની કંપની દ્વારા કરવામાં આવી રહેલા સંશોધનથી આ બ્રેઈન ટિસ્યૂને બદલે ઉપરના ભાગમાં લગાવવામાં આવે છે જેથી ભવિષ્યમાં આ ચીપને સરળતાથી દૂર કરી શકાય તથા જરૂર પડ્યે અપડેટ કરી શકાય. ખાસ તો દર્દીઓની સ્થિતિને ધ્યાને લઈ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે.
બ્રેઈન ઈમ્પ્લાન્ટ કરાવનારને આગળ જતાં એવું લાગે કે ટેકનોલોજી જૂની થઈ છે અને તેણે પ્રોગ્રામ અપડેટ કરાવવો હોય તો ચીપ બદલાવી શકશે. મગજમાં લગાવવામાં આવનાર માઈક્રો ચીપના સિગ્નલ તથા ડેટા વાયરલેસની જેમ વ્યક્તિના સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર સુધી પહોંચાડવામાં આવશે.
જેથી તેને ફોન કે કોમ્પ્યુટર સુધી પર રીયલ ટાઇમ ક્લિક અને કી બોર્ડ સ્ટ્રોકમાં ટ્રાન્સલેટ કરી શકાશે. અમેરિકાના પેન્સિલવેનિયા ખાતે ૧૭ વર્ષના એક કિશોર જે કેટલીક શારીરિક ખામીઓથી પીડિત છે. તેની ચામડીમાં પ્રાયોગિક રીતે આ માઇક્રો ચીપ લગાવવામાં આવી અને જે પરિણામ આવ્યા તે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારનારા છે.
ચીપને કારણે મસ્તિકમાં જે વિદ્યુત આવેગો ઉભા થયા તેની મદદથી દર્દીની હાલતમાં ઘણો સુધારો જાેવા મળ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર કોઈપણ વ્યક્તિ ક્યારેય પોતાના મસ્તિકની સર્જરી કરાવવા નહીં ઈચ્છે. બ્રેઈન સર્જરી હંમેશા જટિલ રહી છે અને બ્રેઈનમાં કાપો મૂક્યા બાદ ઘણાં કોમ્પ્લિકેશનનો ખતરો રહે છે. ટેકનોલોજીની કમાલ છે કે આ ચીપ મસ્તિકમાં સરળતાથી લગાવી શકાશે. આ ડિવાઇસ પશુઓમાં મસ્તિકોના સંકેતોને સફળ રીતે ડીકોડ કર્યા છે અને બહુ ટૂંકાગાળામાં તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે.
લેયર-૭ કેવી રીતે કામ કરશે ?
બ્રેઈન ઈમ્પ્લાન્ટને લેયર ૭ કોર્ટિકલ ઈન્ટરફેસ કહેવામાં આવે છે જે ટેપના એક ટૂકડાની જેમ પાતળી, વળી શકે તેવી એક પટ્ટી છે. જેમાં ઇલેક્ટ્રોડ લાગેલા હોય છે. તે માનવ વાળના પાંચમા ભાગ જેટલી સુક્ષ્મ છે અને મગજની નર્વને જરા પણ નુકસાન વિના સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. મસ્તિકમાં તે સરળતાથી ગોઠવાઇ જાય છે.
ટપાલ બોક્સમાં જે રીતે પત્ર દાખલ કરવામાં આવે છે તે રીતે ન્યૂરો સર્જન લેયર-૭ને મસ્તિકના સૌથી ઉપરના આવરણમાં સરળતાથી અંદર ધ્કકો મારી ઈમ્પ્લાન્ટ કરશે. પ્રિસિજનના સીઈઓ માઇકલ મૈગર કહે છે કે સ્લિટ એક મી.મી. કરતાં પણ પાતળી છે. જેથી દર્દીને તે ઇમ્પ્લાન્ટ કરાવવા પોતાના વાળ કપાવવાની જરૂર રહેતી નથી. આ ચીપ મસ્તિકના સિગ્નલને કનેક્ટેડ મશીન સાથે જાેડવાનું કામ કરે છે.