બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન-માર્ગ અકસ્માતમાં મુકેશભાઈ અને તેમના પરિવારજનોને ગંભીર ઈજા પહોંચી હતી: મુકેશભાઈની હાલત ગંભીર બનતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત સાંપડ્યો. પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી.
મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા.
જાહેર થયા ત્યારે તેમના પત્ની રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ( દાદા ) એ અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના પરિવારજનો સમક્ષ પહોંચ્યા.
મુકેશભાઈ ના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી.bજેનાથી પ્રેરણા લઈ રાણા પરિવારે એક જૂથ થઈને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે.અંગદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સહાયક તરીકે અમારી પડખે ઉભેલા દિલીપભાઇ દેશમુખ (દાદા) નો અંગદાનના સેવાકીય કાર્યની સુવાસ રાજ્યભરમાં પહોંચાડવામાં મહત્વનો ફાળો રહેલો છે.