Western Times News

Gujarati News

પ્રોટોકોલ તોડી મુખ્યમંત્રીએ શ્રોતાગણમાં જઈને દિવ્યાંગોને લાભ વિતરણ કર્યા

Breaking the protocol, the Chief Minister went to the audience and distributed benefits to the disabled

 દિવ્યાંગોએ સરકાર સુધી નહીં પણ સરકાર દિવ્યાંગો સુધીના અભિગમને ચરિતાર્થ કર્યો

દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની સમીપે લઈ જતી અમદાવાદ જિલ્લા પંચાયતશિક્ષણ સમિતિની નવતર પહેલદિવ્યાંગ સમીપે

  • દિવ્યાંગ સમીપે યોજનાનીપહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે
  • છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતના ૮૭૯૬ દિવ્યાંગજનોને રૂ.૧૦૦ કરોડની સાધન સહાય અને અન્ય દિવ્યાંગજનોને ૧૯૦ કરોડની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી
  • જન્મથી મુકબધીરતા ધરાવતા ૨૪૬૩ બાળકોને ૮૭ કરોડના ખર્ચે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે હાથ ધરવામાં આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, “દિવ્યાંગ સમીપે યોજનાની” પહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને એક ઝળહળતા અવસરમાં સહભાગી બનવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર ભાઈએ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની રાજનીતિ અને કાર્ય સંસ્કૃતિથી ગુજરાત આજે  વિકાસમાં અગ્રેસર બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈએ દિવ્યાંગજનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સન્માનપૂર્ણ જીવનનો સેવા યજ્ઞ શરૂ કરી જે જ્યોત જલાવી તે આજે પણ પ્રજ્વલિત છે અને તેને વધુ ઝળહળતી કરવાનો આ પ્રસંગ છે. તેમણે દિવ્યાંગ જેવી સન્માનજનક ઓળખ આપીને દિવ્યાંગો પ્રત્યેનો અભિગમ બદલ્યો. વડાપ્રધાન શ્રી એ પોતાનો જન્મદિવસ નવસારીમાં ઉજવીને દિવ્યાંગોને ૧૧ હજાર કરોડની સાધન સહાય આપી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વંદે ગુજરાત સંદર્ભે જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતના ૮૭૯૬ દિવ્યાંગજનોને રૂ.૧૦૦ કરોડની સાધન સહાય અને અન્ય દિવ્યાંગજનોને ૧૯૦ કરોડની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે.

જન્મથી મુકબધીરતા ધરાવતા ૨૪૬૩  બાળકોની ૮૭ કરોડના ખર્ચે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું.

દિવ્યાંગજનો સાંકેતિક ભાષામાં વીડીયોકોલ થી પોતાની સમસ્યાઓ, મુંજવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ દિવ્યાંગ સમીપે યોજનાને ઇશ્વરીય કામ ગણાવી સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં ડિજિટલ સપ્તાહ ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરાયેલ દિવ્યાંગ સમીપે પહેલ અંતર્ગત વિવિધ સોફ્ટવેર વિતરણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લા પંચાયત અને શિક્ષણ સમિતિ સમિતિ દ્વારા ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વિવિધ ઉપકરણ સહાય અને જીવન ઉપયોગી વસ્તુઓથી લાભાન્વિત કરવામાં આવ્યા.

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ યોજના માટે રૂપિયા ૫૯.૮૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

“દિવ્યાંગ સમીપે” યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સમકક્ષ બનાવી તેમની  શૈક્ષણિક અને માનસિક ક્ષમતાઓમાં વધારો કરવા નિષ્ણાત ટીમ દ્વારા એસેસમેન્ટ કરીને વિવિધ ઉપકરણો અને જુદા જુદા સોફ્ટવેરની સહાય અર્પણ કરવાનો  છે.

અમદાવાદ જિલ્લા પંચાયતની દિવ્યાંગ સમીપે પહેલ અંતર્ગત વિવિધ સમાજસેવી સંસ્થાઓ પણ જોડાઈ છે. જેમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા ૫૦૬ જેટલા લેટેસ્ટ કન્ટેન્ટ સાથેના Byju’s  ટેબ્લેટ બાળકોને આપવામાં આવ્યા છે. વિ-હિયર સંસ્થા દ્વારા ૧૫૭ જેટલા ઇયર પલ્સ ડિવાઇસ આપવામાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા કુલ રૂપિયા ૪.૪૩ કરોડની રકમની વિવિધ સાધન સહાય દિવ્યાંગ બાળકોને અર્પિત કરવામાં આવી છે.

દિવ્યાંગ સમીપે કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, શૈક્ષણિક તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા  હતા.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.