ક્રુડતેલના ભાવ 30% વધી 110 ડોલર પહોંચવાની શક્યતા, તો પેટ્રોલનો ભાવ 140 રૂ.લીટરે થશે
વૈશ્વિક બજારમાં ક્રુડતેલનાં ભાવ હાલ વધીને 85 ડોલરની સપાટી પર પહોંચ્યા ત્યારે વિશ્ર્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેને ક્રુડતેલના ભાવમાં હજી 30 ટકાનો વધારો થવાની આગાહી કરી છે. જો ક્રુડતેલની આ આગાહી સાચી પડે તો ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધીને રૂા.140 પ્રતિ લીટરની ઉંચી સપાટી પર પહોંચી શકે છે. Brent crude oil price may hit $110 in 2022: Goldman Sachs
વૈશ્વિક ફાઈનાન્સીયલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશે જણાવ્યું હતું કે બ્રેન્ટના ભાવ વધીને આગામી વર્ષે 110 ડોલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચી શકે છે. જે વર્તમાન 85 ડોલરના ભાવથી 30 ટકાનો વધારો બતાવે છે. ગોલ્ડમેને ક્રુડતેલમાં તેજી પાછળનું કારણ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક બજારમાં ક્રુડતેલની માંગ અને પુરવઠા વચ્ચે મોટી ખાધ પડી શકે છે.
ક્રુડતેલની માંગ અત્યારે કોરોના પહેલાનાં સ્તરે પહોંચી ગઈ છે અને ઉત્પાદન હજી ઓછું થાય છે. આગામી દિવસોમાં ક્રુડતેલમાં ભાવમાં હજી વધારો થાય તેવી ધારણાં છે જેને પગલે ક્રુડતેલનાં ભાવમાં મોટી તેજીની સંભાવના છે.
નાયમેકસ ક્રુડતેલનાં ભાવ મંગળવારે સાંજે 83.37 ડોલર અને બ્રેન્ટનાં ભાવ 84 ડોલરની સપાટી પર ટ્રેડમાં હતાં, જેમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં અનુક્રમે 72 ટકા અને 62 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં બ્રેન્ટનાં ભાવ 3.45 ટકા અને નાયમેકસ ક્રુડનાં ભાવ 7.40 ટકા વધ્યા છે. અમેરિકામાં પુરવઠાની તંગી વધારે થાય તેવી સંભાવનાએ તેનાં ભાવ ઝડપથી ઉપર આવ્યાં છે.
વૈશ્ર્વિક બજારમાં ક્રુડતેલનાં ભાવ વધશે તો સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવ 30 ટકાનો વધારો આવે તો સરેરાશ રૂા.140 પ્રતિ લીટરની સપાટી પર પહોંચી શકે છે. હાલમાં ગુજરાતમાં સરેરાશ રૂા.105 પ્રતિ લીટરના ભાવ ચાલે છે.
ગોલ્ડમેન સાથે વૈશ્વિક ક્રુડતેલની માંગ વધવાનું એક કારણ નેચરલ ગેસની તેજીને પણ ગણાવી છે. વિશ્વમાં ગેસનાં ભાવ જે રીતે વધ્યાં એ જોતા આશરે 10 લાખ બેરલ પ્રતિ દિવસ જેટલી માંગ નેચરલ ગેસમાંથી ક્રુડતેલ તરફ પણ વળી છે. બ્રેન્ટનાં ભાવ માટે ટેકનીકલી હવે 90 ડોલરની સપાટી મહત્વની છે.