લાંચઃ કહેવાતી રુશ્વતખોરીને અપનાવવી જોઈએ અથવા તો સાધુ થવું જોઈએ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/rupees.jpg)
પ્રતિકાત્મક
પરમાત્મા જેમ અનેકરૂપે અને નામે ઓળખાય છે, તેમ માનવસમાજની કામ કાઢવાની રીત અનીતિ, ભ્રષ્ટાચાર, સડો, લાગવગ, લાંચ-રુશ્વત વગેરે નામે ઓળખાય છે. જેમ યંત્રમાં ગ્રીસ, તેમ સમાજ-વ્યવહારમાં લાંચ ! આપણું ગાડું એનાથી જ ચાલે.
અમદાવાદ શહેરમાં મને એક રૂમનું ઘર ભાડે મળ્યું હતું. મારે ત્રણ રૂમનું જોઈતું હતું, એટલે મારા મિત્રે એક મકાનના દલાલ જોડે ઓળખાણ કરાવી. ઉત્સાહથી એમણે સારું ઘર શોધી આપ્યું અને ઓછા ભાડામાં અપાવવાની વ્યવસ્થા કરી. તે દિવસે સાંજે ઘેર આવીને એ ભાઈએ પોતાની કામગીરી માટે હાથમુચરકા તરીકે રૂપિયા પચાસ માગ્યા. આપણે એવા નીતિના ખાં, સિદ્ધાંતવાદી, એટલે આજે પણ એક રૂમના સુંદર ઘરમાં રહેવાનું દુર્ભાગ્ય ભોગવી રહ્યા છીએ. ઉંડે ઉંડે સમજાય છે કે પેલાનું કહ્યું કર્યું હોત તો આભ તૂટી પડવાનું ન હતું !
આવો બીજો અનુભવ વારસાહકનું સર્ટિફિકેટ લેવા માટે, સદ્ગત પિતાજીની ઓળખાણથી એક મેજિસ્ટ્રેટસાહેબની ઓફિસમાં જઈને સહી તો કરાવી લીધી, પણ એમની સહી પછી જ સિક્કો થાય, એની અમને ખબર નહીં, એટલે કારકુનશ્રી પાસે બેસી રહ્યા, પણ સિક્કો પડ્યો નહીં. એટલે પટાવાળાએ બુદ્ધિ ઠેકાણે લાવીને કહ્યું ઃ ‘સાહેબ, ચા-પાણી થવા દો!”
નીતિમાં ખૂંપી ગયેલો અમારો અંતરાત્મા બળવો કરી બેઠો અને પછી અનેક વાંધાવચકા સાથે એ કામ એવું ઠેબે ચઢયું કે વર્ષો પછી એ પ્રમાણપત્ર મળ્યું, ત્યારે મિલકતમાંથી અનેકગણું રફેદફે થઈ ગયું હતું. આજે સમજાય છે કે, વ્યવહારુ થવું સારું ! જે પાણીએ મગ ચઢે તેનાથી કામ લેવું! તુલસીદાસજીએ પણ કહ્યું છે કે, “સબસે હિલમિલ ચાલિયે, નદી નાવ સંજોગ”- તે આ જ અર્થમાં કહ્યું હશે એવું મહાસત્ય અમને સમજાયેલું છે.
લેવડ-દેવડના પ્રકારો ભલે જુદા હોય, પણ તેનો ભાવાર્થ તો એક જ કે, “કશું આપ્યા સિવાય મેળવાતું નથી.” ભાડાનું નુકસાન ન થવા દેવું હોય અને નવા મકાનમાં લાઈટનું કનેકશન જોઈતું હોય તો માત્ર અરજી કરવાથી દા’ડો ન વળે. અધિકારીદેવને એમનો ભોગ યજ્ઞના દેવની જેમ, આપવો જ પડે; અને એમ ન થાય અને જો દેવ રિસાય તો પરેશાનીનો પાર ન રહે.
અનેક લાયક-ગેરલાયક ઉમેદવારો વચ્ચે પહેલી નોકરી મેળવવી હોય; હક -રજા પૂરી થયા પછી વધારાની રજા ભોગવવી હોય; જગજાહેર કાળાં-ધોળાં આચરણો હોવા છતાં અણિશુદ્ધ રહેવું હોય; નિવૃત્તિવયે પહોંચ્યા પછી પણ નોકરી ચાલુ રાખવી હોય કે પેન્શન ઉભાઉભ લેવું હોય; ચૂંટણીની ટિકિટ મેળવવી હોય- એ વ્યવહારુ બાબતમાં કંઈક ને કંઈક આપવું તો પડે જ – એ રોકડમાં હોય કે બીજી રીતે !
જે લોકો નથી કરી શકતા અથવા કરે છે છતાં કબૂલ કરવાની હિંમત નથી તેવા લોકો એને લાંચ-રુશ્વત એવાં નવી જાતનાં નામો આપે છે. એને રોકી શકે છે એવું દેખાડવા કાયદા કરે છે અને એવા કાયદા હોવા છતાં એ વસ્તુ વડવાઈઓની જેમ આખા સમાજમાં ઉંડાં ને ઉંડાં મૂળ નાખતી જાય છે, લગ્નપ્રસંગની ભેટ, દિવાળીની મીઠાઈ કે બોનસ, નાતાલની શુભેચ્છાઓ, અધિકારીઓ જાય કે આવે ત્યોર યોજાતી પાર્ટીઓ- આ બધામાં માત્ર ફુલાઈને ફાળકો થવાની વૃત્તિ નથી હોતી, પણ સંબંધો જાળવી, વધારી, વધારે લાભ મેળવવાની વૃત્તિ હોય છે.
વીસ હજારનો ઈન્કમટેક્સ બચાવી યોગ્ય વ્યક્તિને હજાર નહીં આપવાનું સાહસ કયો બુદ્ધિશાળી કરશે વારુ ? નાટક, સિનેમા, એરોપ્લેન, રેલગાડી, બસમાં કે સરકસમાં આંગલી-પાછલી ગમે તે જગા જોઈતી હોય તો સીધી રીતે કોને મળે ? લાલો, કારકુન, આડતિયા, મારફતિયા, દલાલો, અધિકારીઓ વગેરે શુદ્ધ પરિશ્રમ કરનારાઓને આપ્યા સિવાય શું મેળવી શકાય ? બેસતા વર્ષને દિવસે પટાવાળાને કે ટપાલીને પાંચ રૂપિયા શેના આપીએ છીએ? પાંચ રૂપિયા આપતાં એના વર્તનમાં ફેર પડે છે. પટાવાળો આખું વર્ષ સલામ ભરે અને ટપાલી સંભાળીને ટપાલ આપે એવી ગણતરી.
ચાહીને પાંચ રૂપિયા આપવા બુદ્ધિશાળીનું કામ. મારા જેવા અનેકોને માટે આ ટૂંકી જિંદગીમાં આવું ભારે જોખમ ખેડવાનું શક્ય નથી, કારણ કે, તલાટી પાસેથી સાતબારનો ઉતારો જોઈતો હોય કે જમીનનો દસ્તાવેજ કરાવવો હોય કે કોઈ પણ સરકારી કામ વેળાસર પતાવવું હોય, તો આરાધ્યદેવોને યથાયોગ્ય નૈવેદ્ય ધરાવવામાં જ આપણું યોગક્ષેમ રહેલ છે.
અમારા પડોશમાં રહેતા એક અધ્યાપકના ઘરમાં રોજ કંકાસ થતો. ટૂંક સમયમાં ખબર પડી કે કજિયાનું મૂળ અધ્યાપકનું માનસ છે. સારું લગાડવા માટે પણ કોઈ ઓળખીતા- પાળખીતાનો નંબર લે નહીં, ઘેર પૂછવા આવે તોય ટયુશન રાખે નહીં, પ્રકાશકો વિનંતી કરે છતાં ગાઈડ કે સ્યોર સજેશન્સ લખી આપે નહીં,
એટલે જતે દિવસે એમને લોકોએ ‘પ્રતિષ્ઠાનું પૂતળું’ ગણ્યા, પણ ન તો વિદ્યાર્થીઓનો પ્રેમ મેળવ્યો, ન સમાજમાં સંબંધ રહ્યો કે ન બેન્ક- બેલેન્સ વધ્યું !
તેથી રોજ એમનાં શ્રીમતી એમની સાથેના બીજા સાગરીતોનો દાખલો આપી એમની દુર્દશાનું ભાન કરાવતાં. આવી અવદશામાંથી છૂટવું હોય તો કહેવાતી રુશ્વતખોરીને અપનાવવી જોઈએ અથવા તો સાધુ થવું જોઈએ, પણ કોઈ કોઈ સંસારી માટે એ શક્ય નથી.
લાંચ ન લઈએ તો સંબંધ બગડે, વેદિયા કહેવાઈએ, આપણું કશું રંધાય નહીં અને મૂર્ખામાં ખપીએ, અને એમાંથી પણ આપણે કદાચ બચીએ તો આપણે એકલા નથી. કોઈ નવી ડિઝાઈનની સાડી આવી હોય, નવસારીની વાડીનાં ચીકુ-કેરીઓનો કરંડિયો આવ્યો હોય, ત્યારે તેની ઉપર ઠરીને અમૃતરસ માણતી શ્રીમતીની કે છોકરાંની નજરને અવગણવાની હિંમત માનવીથી તો બતાવી શકાય જ નહીં. પછી મન મનાવવા ખાતર ‘તારુંય રહ્યું ને મારુંય રહ્યું” એમ કહીને, નહીં જેવી કિંમત આપી “લાંચ નથી લીધી” એવો ડોળ કરવામાં આવે છે. લેનાર અને આપનાર બંને જાણે કે-
“આ તો વ્યવહાર છે.” એ તો દુનિયા એમ જ ચાલે” “આપણે ક્યાં કોઈનું ખોટું કરવું છે ?” “કોઈનું ભલું કરીએ એમાં પાપ ક્યાં આવ્યું?” “આમાં ખોટું કાઈ નથી, આ તો તમારી મહેનતનો બદલો છે.” “એમ કંઈ બૈરાં-છોકરાંને વનવાસ નથી મોકલ્યાં કે ઘર બાળીને તીરથ થાય, સૌને પેટ છે.”
અમદાવાદ કાપડબજાર, ધંધાદારી પેઢીઓ, મારફતિયાઓ, સેલ્સમેનો- આ બધાને જાગૃત રાખનારું તત્ત્વ સિગારેટ અથવા તો ફિફ્ટી ફિફ્ટી ચા, ફાફડા-ચટણી કે ચવાણું. તેમાં ખાવા-ખવડાવવાનું કે ખાવા-પીવાનું મહત્ત્વ ઓછું છે. જે લક્ષ્ય છે તે તો એ સાધનો વડે ધાર્યુ કામ કઢાવવાનું. રમણભાઈ નીલકંઠે ચિઠ્ઠીની મશ્કરી કરેલી, પણ આખી જિંદગીમાં કોઈએ ક્યાંય એક પણ ચિઠ્ઠી લખી ન હોય એવો માનવી જડવો મુશ્કેલ છે.
ડાયરી, બોલપેન, કેલેન્ડર, પ્રકાશકો- લેખકો તરફથી પુસ્તકોની મળતી સપ્રેમ ભેટ વગેરે સ્વીકારવાની અને મેળવવાનો આનંદ માણવાની વૃત્તિ એટલી જબરી હોય છે કે ભલભલા શ્રીમંતોથી પણ બચી શકાતું નથી. ગાંઠનું ગોપીચંદન વાપરીને ધંધો કરનારા દેવાળું કાઢવા બેસતા નથી, પણ લોકોની ના પાડવાની અશક્તિનો લાભ ઉઠાવતા હોય છે.
“ઉઠાવો અહીંથી, ખબરદાર જો પગ મૂકયો છે તો”તેવા માથાભારે શબ્દોથી ઘેર આવેલાને ધૂતકારીને કાઢવો અને લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવું પાલવે નહીં. રાખ-રખાપત, વાટકીવ્યવહાર, ઘર જેવા સંબંધો, સારાસારીની રંગીલી દુનિયામાં આપવા-લેવાની જ બોલબાલા હોય છે. સટ્ટા- બજાર જેવી પરંતુ શાંત પરીક્ષકમંડળોની સભામાં પણ આપવા-લેવાથી જ સૌને મહાન આનંદ થતો હોય છે.
પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં, ઓફિસે તાળું મારી ઓટલે બેસી બીડીઓ પીતા એક ભાઈને અમે ઉત્સાહથી કહ્યું ઃ “અમારે રૂમ જોઈએ.” તેણે સામે જોયા વિના જ જવાબ આપ્યો ઃ “ખાલી નથી.” અમારો ચહેરો રડમસ થઈ ગયો. આ સ્થિતિ માટે અમારો જ વાંક હોય તેમ શ્રીમતીએ ગુસ્સાથી અમારી સામે જોયું, એટલે હતી એટલી નબળાઈ ભેગી કરીને ફરીથી અમે વિનંતી કરી ઃ “ભાઈ, કંઈક કરો !” દાનેશ્વરીની ગંભીરતાથી જવાબ મળ્યોઃ “જોઈશું, એક પેસેન્જર જવાનો છે.”
લબાચા મૂકી થોડીવાર આંટા માર્યા પણ જીવ અદ્વર રહ્યો. થોડીવારે પહેરેગીરના જ્ઞાનથી પ્રભાવિત થઈને એની સલાહ મુજબ ખિસ્સું હળવું કર્યું એટલે રૂમ ખૂલી ગઈ, આનંદ થયો તે જુદો. આ સ્થિતિમાં કોઈને માટે પણ નહીં આપવાનું અશક્ય જ ગણાય.
નૈવેદ્ય, માનતા, બાધા-આખડી વગેરે સ્વરૂપની લેવડ-દેવડ દેવો અને આપણી વચ્ચે અનંતકાળથી ચાલુ જ છે. પત્રમ્-પુષ્પમ્-ફલમ્-તોયમ્ ઈત્યાદિ તો ઈશ્વરે પણ ભક્તો પાસે માંગેલાં છે. વ્યાજે નાણાં લેવા જઈએ ત્યારે કોથળી છોડામણ, અંબાજીનાં દર્શને જઈએ ત્યારે મૂંડકાવેરો- ઈચ્છાએ કે અનિચ્છાએ આપવો જ પડે છે.
આ જૂના લેવડ-દેવડના પ્રકારોમાં ઉમેરીએ તો બકરી, અશ્વ, નર કે કોઈ બત્રીસલક્ષણાના બલિદાનથી કોઈ તૃપ્ત થાય તો આપણું પણ કલ્યાણ થાય. જગન્નાથપુરીનાં કે ડાકોરનાં કે કાશીવિશ્વનાથનાં દર્શન કરવા માટે પણ પૂજારીને નગદ આપીએ તો જ ધક્કામુક્કીમાંથી બચાવ અને પાછલે બારણે પહેલો નંબર લગાડાય. એમ ના કરીએ તો દર્શન ન જ થાય અને કુટાઈએ તે જુદું.
માણસનો દેવ સાથેનો વ્યવહાર જો આવો હોય, તો માણસ-માણસ વચ્ચેનો વ્યવહાર એનાથી જુદો શી રીતે હોઈ શકે? ભ્રષ્ટાચારની વાતોથી વાતાવરણ ભરેલું છે. લાંચ લેવાનું અને આપવાનું કેટલા પ્રમાણમાં થતું હશે તે તો
ભગવાન સિવાય ભાગ્યે જ કોઈ જાણી શકે છે. અને ભગવાન જેમ પોતાની જાણનો લાભ કોઈને આપતા નથી, તેમ આપનાર-લેનાર પણ લેવા-આપવાની ક્રિયા પછી નિર્લેપ બની જાય છે !