ખનીજ ચોરી કરવા માટે ભૂ-માફિયાઓએ વાત્રક નદીમાં બનાવેલ પુલ તોડી પડાયો

આ પુલ કોણે બનાવ્યો તેની તપાસ શરૂ, પકડાશે તો કાર્યવાહી કરવા તંત્ર સજ્જ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકાના રઢુ નજીક વાત્રક નદીમાં ભૂ-માફીઆઓએ ગેરકાયદેસર માટી ચોરી કરવા માટે બનાવેલ પુલ બાબતની જાણ જિલ્લા કલેકટરને થતા તેમના આદેશથી ખેડા મામલતદાર એ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ હંગામી પુલ તોડી નાખી આ પુલ બનાવનાર ઈસમોની શોધખોળ શરૂ કરી છે જોકે અધિકારીઓ માત્ર પુલ તોડીને સંતોષ લેશે.
એવું લાગી રહ્યું છે જગ જાહેર વાત છે કે આ રીતે માટી ચોરી કોણ કરે છે અને કોના ઇશારે ચોરી થાય છે છતાં પણ આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે ત્યારે અધિકારીઓ તટસ્થ રીતે તપાસ કરી આ કારસ્તાનમાં સંડોવાયેલા લોકો સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના રઢુ નજીકથી વાત્રક નદી પસાર થાય છે આ નદીમાં આ છેડે થી બીજા છેડે જવા માટે નીચે ભૂંગળા નાખી હંગામી પુલ બનાવવામાં આવ્યું હતું જેથી આ પુલ પર રહી રાત ના સમયે માટી તેમજ અન્ય ખનીજ ખોદીને ડમ્પર ટ્રેક્ટર તેમજ અન્ય સાધનોમાં ભરીને પુલના સહારે ચોરી કરી શકાય. છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હોવાની બુમો ઉઠવા પામી હતી.
આ બાબત જિલ્લા કલેકટરની ધ્યાનમાં આવતા તેમને ખેડા મામલતદારને આ બાબતે સૂચના કરી હતી અને મામલતદાર એ પણ તપાસ કર્યા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખી આ બનાવેલ પુલ તોડી પાડ્યો છે અને અધિકારીઓના કહેવા મુજબ આવી રીતે વગર મંજૂરીએ માટી ચોરી કરવાના ઇરાદે પુલ બનાવનાર વ્યક્તિઓની શોધ હાથ ધરી છે તે પકડાશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે.