બ્રિટને ગેરકાયદે ઇમિગ્રેશનને અટકાવવા નવા પ્રતિબંધો જાહેર કર્યા
જોખમી માર્ગે ઇંગ્લેન્ડમાં પ્રવેશતા લોકોને પકડવામાં મદદ મળશે
વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આપણી સરહદોનું ઉલ્લંઘન કરતી અપરાધી ગેંગનું માળખું વિખેરવું જરૂરી છે
લંડન,
બ્રિટને ગેરકાયદેસર સ્થળાંતરને અટકાવવા ‘વિશ્વમાં પ્રથમ’ નવા પ્રતિબંધોની વ્યવસ્થા જાહેર કરી છે. જેનો હેતુ દેશમાં ગુનાખોરોને પ્રવેશતા અટકાવવાનો તેમજ તેમના ગેરકાયદે ફાઇનાન્સ પર અંકુશ લાદવાનો છે. સરકારે જણાવ્યું હતું કે, નવા પ્રતિબંધો ગેરકાયદે સ્થળાંતર અને સંગઠિત ઇમિગ્રેશન અપરાધને ધ્યાનમાં રાખીને લગાવાયા છે. પ્રતિબંધોની મદદથી ઓથોરિટી જોખમી પ્રવાસ કરતા લોકોને પકડી શકશે. નવા પ્રતિબંધ ચાલુ વર્ષે જ અમલી બનવાની ધારણા છે. સરકારની કાનૂની એજન્સીઓ તેમજ હોમ ઓફિસના નિષ્ણાતો ગેરકાયદે સ્થળાંતરને રોકવા માટે ફાઇનાન્સિંગનો પ્રવાહ અટકાવવા જરૂરી પગલાં ભરશે.
જેમાં સમગ્ર યુરોપમાં જોખમી રીતે દરિયાને પાર કરવાની પ્રવૃત્તિ પણ સામેલ છે.વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, “આપણી સરહદોનું ઉલ્લંઘન કરતી અપરાધી ગેંગનું માળખું વિખેરવું જરૂરી છે. સ્મગલર્સ દ્વારા સમગ્ર યુરોપમાં લોકોની હેરાફેરીને અટકાવવા અમે બ્રિટનની સરહદોની સુરક્ષા માટે આપેલું વચન પાળીશું. અમે અમારી પોલિસીમાં હિંમતભર્યા અને નવતર પગલાં લઇશું. મારી સરકાર આગામી વર્ષાેમાં લોકોનું જીવન બચાવવાના તેમજ સરહદની સુરક્ષા માટેના પગલાં લેશે.” લેબર પાર્ટીની સરકારના ‘પ્લાન ફોર ચેન્જ’નો હેતુ ઇંગ્લિશ ચેનલને પાર કરીને જોખમી નાની બોટો દ્વારા દેશમાં પ્રવેશતા લોકોને અટકાવવવાનો છે. ઉપરાંત, તે ગેરકાયદે સ્થળાંતરને ઘટાડવાના પગલાં તરીકે શરણાર્થી હોટેલ્સના નિયમિત ઉપયોગને પણ બંધ કરાવવા માંગે છે.બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, “ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) વગર ગેરકાયદે સ્થળાંતરને અટકાવવાનું ‘બિલકુલ અવાસ્તવિક’ છે.” ss1