Western Times News

Gujarati News

બ્રિટનમાં નવા વડાપ્રધાનની મુશ્કેલીઓ હજુ શાંત થઈ રહી નથી

સરકારના મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક સામે પાર્ટીના વિદ્રોહીઓને વિપક્ષોનો સાથ મળે તો સુનકને પહેલીવાર પરાજયનો સામનો કરવો પડે

લંડન (બ્રિટન)  જયાં તાજેતરમાં જ સતા પરિવર્તન થયું હતું અને જેના કારણે ભારતીય મૂળના ઋષિ સૂનક વડાપ્રધાન પદે આવ્યા હતા ત્યારે હવે ઋષિ સુનક સામે વિદ્રોહની શકયતા ઉભી થઈ છે. બ્રિટન સરકારની મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક પર વિદ્રોહના કારણે મતદાન ટાળવું પડયું છે.

આ વિધેયક સામે ખુદની પાર્ટીના જ 47 વિદ્રોહી સભ્યોએ વિરોધ કર્યો છે. જો તેમને અન્ય વિપક્ષી દળો, વિરોધી લેબર પાર્ટીનું સમર્થન મળે તો ઋષિ સુનકનો આ વિધેયક મામલે પહેલો પરાજય થઈ શકે છે.

બ્રિટનના નવા નિર્વાચીત વડાપ્રધાન ઋષિ સુનકને પહેલીવાર પોતાની જ પાર્ટીના સાંસદોની વિદ્રોહની ધમકીનો સામનો કરવો પડયો છે. મીડીયા રિપોર્ટ મુજબ આ કારણે ઋષિ સુનકે બ્રિટીશ સરકારની મકાન નિર્માણની યોજના સંબંધી વિધેયક (લેવલીંગ-અપ રિજનરેશન બિલ) પર મતદાન ટાળવું પડયું છે.

અહેવાલો મુજબ સુનકની ટોરી પાર્ટીના લગભગ 47 સભ્યો અને અન્ય સાંસદોએ મળીને લેવલીંગ-અપ અને રિજનરેશન બિલમાં સંશોધન પર સહી કરી છે. આથી સ્થાનિક પરિષદો દ્વારા ફરજીયાત રીતે મકાનોના નિર્માણના લક્ષ્યને પૂરા કરવા પર રોક લાગી શકે છે.

આ વિધેયક બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા માટે આવશે અને તેના પર આગામી સોમવારે મતદાન થનાર હતું. પીએમ સુનક સમક્ષ આ વિધેયકના મામલે મતદાનમાં હારવાનો ખતરો છે.

કારણ કે તેમને માત્ર 69 સદસ્યોની બહુમતી હાંસલ છે. જો વિદ્રોહી 47 સભ્યોને અને વિરોધી લેબર અને અન્ય વિપક્ષ દળોનું સમર્થન મળે તો સુનકનો પહેલો પરાજય થાય. જોવાનું એ રહે છે કે બુધવારે થનારી ચર્ચામાં સુનક સરકાર અને તેની પાર્ટીના સાંસદ અને વિપક્ષીદળો શું વલણ અપનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.