બ્રિટનનું સંસદ ભવન શ્રી રામના નારા-શંખધ્વનીથી ગૂંજી ઊઠ્યું
નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂરજાેશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હિન્દુ સમુદાય પણ આ ઐતહાસિક ક્ષણને વધાવવા માટે ઉત્સુક છે અને વિવિધ કાર્યક્રમોનુ આયોજન પણ થઈ રહ્યુ છે. બ્રિટનની સંસદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી અને સંસદ ભવન શ્રીરામના નારા તેમજ શંખ ધ્વનિથી ગાજી ઉઠ્યુ હતુ. બ્રિટનના સંગઠન સનાતન સંસ્થા, યુકે દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સંસદમાં કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું.
જેની શરુઆત ભાવ વિભોર કરી નાંખે તેવા ભજન સાથે થઈ હતી. એ પછી સંસ્થાના સભ્યોએ ગીતાના ૧૨મા અધ્યાયનું પઠન કરીને શ્રીકૃષ્ણ ભગવાનના જીવનને યાદ કર્યુ હતુ. આ પ્રસંગે સાંસદોનુ શાલ ઓઢાડીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સંસદમાં લાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.
૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે બ્રિટનના ૨૦૦ જેટલા મંદિરો તેમજ સંગઠનોની સહી સાથેનુ એક ઘોષણાપત્ર પણ અયોધ્યા મંદિરને સુપરત કરવામાં આવશે. બ્રિટનના હિન્દુ સમુદાયમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ખુશી જાેવા મળી રહી છે. દરમિયાનમાં ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં ભવ્ય નિર્માણાધીન રામ મંદિરમાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણા રાજ્યોમાં તમામ દેશી અને વિદેશી દારૂની દુકાનો, રેસ્ટોરન્ટ, બાર, હોટલ અને ક્લબ વગેરે પણ બંધ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં તેમજ સરકારી કચેરીઓ અડધા દિવસ સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આ દિવસે આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં સામેલ થશે જ્યારે કરોડો લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી કરશે.
આ પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રિય કચેરીઓને અડધા દિવસ સુધી બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ સિવાય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ગોવામાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારે આ દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
આ સાથે કેટલાક રાજ્યોની સરકારે આ દિવસે ડ્રાય ડે જાહેર કર્યો છે એટલે કે આ દિવસે આ રાજ્યોમાં દારુ ખરીદી કે વહેંચી શકાશે નહીં. આ રાજ્યોમાં તમામ દેશી-વિદેશી દારૂની છૂટક દુકાનો, હોટલ, બાર ક્લબ વગેરે બંધ રહેશે. જે રાજ્યોમાં ડ્રાય ડે રહેશે તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને આસામનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે ડ્રાય ડે રહેશે. SS2SS