ભાઈએ જ બે શખ્સો સાથે મળી ભાઈની હત્યા કરીઃ દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરાઈ
વડગામના માહીમાં ભાઈના કહેવાથી તબેલામાં કામ કરતાં બે જણે ટ્રેકટરથી ટક્કર મારી વાંસીના ફટકા મારી ઢમ ઢાળી દીધું
પાલનપુર, વડગામ તાલુકાના માહી-પીરોજપુરા રોડ પરથી થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેમની ભાઈએ જ બે શખ્સો સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના માહી-પીરોજપુરા રોડ પર આવેલી માહી હાઈસ્કૂલ આગળથી નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલીયા (રહે.માહી તા.વડગામ)નો મૃતદેમ મળી આવ્યો હતો. જેથી તે સમયે તેમની અંતિમવિધિ કરી દેવાઈ હતી. ત્યારબાદ નિઝામુદ્દીન નાંદોલીયાની હત્યા થઈ હોવાનું ગ્રામજનોમાં ગણગણાટ ઉઠયો હતો.
આથી ગ્રામજનો મોટી સંખ્યામાં મૃતકના પરિવાર સાથે જિલ્લા પોલસ વડાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરવા રજૂઆત કરી હતી જેથી પોલીસ દ્વારા દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી આ અંગે તપાસ કરવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી જેમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી ગુનાહિત કાવતરુ રચ્યું હતું.
અને મૃતક નિઝામુદ્દીન નાંદોલીયાને ટ્રેકટરથી મારી નાંખવાના ઈરાદાથી ટક્કર મારી હતી. ત્યારબાદ માથાના ભાગે લોખંડની વાંસીના ફટકા મારી નિઝામુદ્દીનનું મોત નિપજાવી ગુનો આચર્યો હતો.
આ અંગે મૃતકના પુત્ર મુનાફ નિઝામુદ્દીન નાંદોલીયાએ છાપી પોલીસ સ્ટેશનમાં તેના કાકા અલ્તાફ હનીફભાઈ નાંદોલીયા (રહે.માહી તા.વડગામ) તથા રહીમખાન ઈમામખાન બલોચ (રહે.થરા તાલુકો કાંકરેજ હાલ રહે.સરિયદ, તા.સરસ્વતી, જિ.પાટણ) તેમજ સલમાનખાન અયુબખાન બલોચ (રહે.સરિયદ, તા.સરસ્વતી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.