દાણીલીમડામાં ભાઈ-ભત્રીજા સહિત ચાર શખ્સોએ ભેગા મળીને અઢી કરોડની છેતરપીંડી કરી
વૃધ્ધ વેપારીએ તમામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી શરૂ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દાણીલીમડામાં આવેલી એક ફેકટરીના માલિકે ધંધાના હિસાબોમાં ઉચાપત કરીને રૂપિયામાં ઘાલમેલ કરતાં પોતાના જ નાના ભાઈ, ભત્રીજા, એકાઉન્ટન્ટ સહિત ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ કુલ રૂ.અઢી કરોડની છેતરપીડીની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. સગા ભાઈ અને ભત્રીજાએ છેતરપીંડી આચરતા પરિવારના અન્ય સભ્યો પણ ચોંકી ગયા હતા. જ્યારે પોલીસને જાણ થતાં જ તેમણે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
વેપારી અનિલભાઈ શંકરભાઈ પટેલ (૬૮) પ્રહ્લાદનગર ખાતે રહે છે. અને ત્રીસથી વધુ વર્ષોથી શહેરમાં પોતાની ત્રણ ફેકટરીઓ ધરાવે છે. તેમના નાનાભાઈ કિશોરભાઈ પણ શરૂઆતથી જ તેમની સાથે ધંધામાં સામેલ હતા. તેમની એક ફેકટરી કોઝી હોટલની પાસે દાણીલીમડામાં મેઝીક પ્રિન્ટસ’ નામે આવેલી છે. જેમાં અનિલભાઈના પત્ની અને કિશોરભાઈનો અડધો હિસ્સો છે.
ત્રણેક વર્ષ અગાઉ મેઝીક પ્રિન્ટર્સ’ કંપનીના હિસાબના ચોપડા માંગતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત જયશ્રીબેને ચોપડા આપવાની તેમને સ્પષ્ટ ના પાડી હતી. જેમાંથી અનિલભાઈને તેમની પત્નીના નામના દોઢ કરોડ લેવાના નીકળતા હતા.
બાદમાં દોઢેક વર્ષ અગાઉ કિશોરભાઈએ મેઝીક પ્રિન્ટૃસ નામની ફકટરી બંધ કરી દીધી હતી. જેના સાતેક વર્ષના વાઉચરો વગેરે મેળવી અનિલભાઈએ તપાસ કરતાં તેમાં મોટા પ્રમાણમાં ઘાલમેલ જાવા મળ્યુ હતુ.
એકાઉન્ટન્ટ જગદીશભાઈ, જયશ્રીબેન અને કિશોરભાઈના પુત્ર ઋષિકેશ પણ આ છેતરપીંડીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ. હિસાબોને અંતે નકલી વાઉચરોને આધારે ઘણી મોટી રકમની ઉચાપત કરી હતી. બાદમાં ફેકટરીના મશીનો તથા માલસામાન વેચવામાં પણ ગોલમાલ કરીને ખોટા હિસાબો બતાવીને અનિલભાઈને તેમના જ નાનાભાઈએ રૂ.બે કરોડ સોસઠ લાખનો ચુનો ચોપડ્યો હતો. જેની જાણ થતાં જ અનિલભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ભાઈ સહિત ચારેય વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.