Western Times News

Gujarati News

BRTSના અકસ્માતોને લઇ ગૃહ રાજયમંત્રી નિરીક્ષણ કરશે

Panjapole

અમદાવાદ: ગત ગુરૂવારે પાંજરાપોળ પર બીઆરટીએસ (BRTS bus accident near panjrapole four cross in ahmedabad) બસે બે સગાભાઈને અડફેટે લેતા મોત થયા હતા. સમગ્ર શહેરને હચમચાવી દેનારી આ દુર્ઘટનાની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. જેને પગલે આવતીકાલે તા.૨૬ નવેમ્બરે રાજ્યના ગૃહરાજ્યમંત્રી અમદાવાદના ત્રણ BRTS રૂટ પર જાત નિરીક્ષણ કરશે. આ ત્રણ સ્થળોમાં પાંજરાપોળ, વાળીનાથ ચોક અને દિલ્હી દરવાજાનો સમાવેશ થાય છે.

ગૃહરાજ્યમંત્રી બપોરે ૧૨ વાગ્યે એક બાદ એક એમ ત્રણેય રૂટનું નિરીક્ષણ કરશે. શહેરમાં છાશવારે સામે આવી રહેલા બીઆરટીએસ બસના અકસ્માતો અને બીઆરટીએસ બસના ચાલકોની ગંભીર અને ગફલતભરી રીતે ડ્રાઇવીંગના કારણે વધતા જતાં અકસ્માતોને લઇ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહની (Home Minister of Gujarat Pradipsinh Jadeja) અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મેયર, કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

જેમાં બીઆરટીએસ બસના વધતા જતા અકસ્માતો, તેના કારણો અને તેના નિવારણ માટે શું કરી શકાય સહિતના તમામ પાસાઓને લઇ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરમ્યાન એક તબક્કે ખુદ ગૃહરાજયમંત્રીએ પરિસ્થિતિની જાતમાહિતી મેળવવા જાતે જ બીઆરટીએસના રૂટનું નીરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું.

જેથી હવે તા.૨૬મી નવેમ્બરે ખુદ પ્રદીપસિંહ જાડેજા અમ્યુકોના અધિકારીઓ સાથે BRTS બસના અકસ્માત સંભવિત ત્રણ રૂટોનું જાત નીરીક્ષણ કરી પરિસ્થિતિ નો વાસ્તવિક ચિતાર મેળવશે.

ગૃહરાજયમંત્રીની મુલાકાતને લઇ તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે. શહેરમાં બીઆરટીએસ બસના વધતાં અકસ્માતોને નિવારવા અને તેની પર લગામ કસવા માટે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં કેટલાક કડક અને મહત્વના નિર્ણયો લાગુ કરે તેવી શકયતા છે.

કારણ કે, પાંજરાપોળના અકસ્માતમાં બે સગા ભાઇઓના મોત અને સુરતમાં બીઆરટીએસ બસના એક સપ્તાહથી સતત સામે આવી રહેલા અકસ્માતોની સરકારે ગંભીર નોંધ લઇ આ સમગ્ર મામલે હવે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી છે અને અમ્યુકો તેમ જ નિષ્ણાતોની સાથે સલામ મસલત કરી આ સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.