BRTS એક્સિડન્ટમાં મોતને ભેટનાર જયેશની પત્નિ PSI છે
અમદાવાદ: વહેલી સવારે શહેરના પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની અડફેટે બે સગા ભાઈઓ નયન રામ અને જયેશ રામના ઘટના સ્થળે જ મોત નીપજવાને પગલે શહેર સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે તો, બીજીબાજુ, મૂળ ગીર સોમનાથ પરિવારના વતની એવા તેમના પરિવારમાં તો જાણે શોકનો માતમ છવાઇ ગયો છે.
એકસાથે બે સગા જુવાનજાધ ભાઇઓ કાળનો કોળિયો બનતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડયુ હોય તેવો વજ્રાઘાત વાગ્યો છે. સમગ્ર પંથકમાં પણ આ સમાચાર જાણીને આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઇ છે.
મૂળ ગીર સોમનાથના રામ પરિવારના બંને ભાઈઓ માટે ગુરૂવાર ગોઝારો સાબિત થયો હતો. મૃતક નયન રામ (ઉ.વ. ૨૬) અને જયેશ રામ (ઉ.વ. ૨૪) ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી હીરાભાઈ રામના પુત્રો હતા.
આ ઉપરાંત મૃતક જયેશ રામના પત્ની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નયન રામની પત્ની હાલ પ્રેગ્નન્ટ છે અને હજુ છ દિવસ પહેલા જ તેનું સીમંત કરવામાં આવ્યું હતું.
બંને ભાઈ બે દિવસ પહેલા જ અમદાવાદ આવ્યા હતા. બંને જુવાનજોધ પુત્રોના મોત અંગે જાણ થતાં હીરાભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમયે તેમણે જણાવ્યું કે, બંને સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. મોટો દીકરો નયન રામ આઇસીઆઇસીઆઇ બેંક(તાલાલા)માં નોકરી કરે છે, જ્યારે નાનો દીકરો જયેશ સચિવાલય (ગાંધીનગર)માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરે છે. પરંતુ નયનને અહીં ટ્રેનીંગ હોવાથી તે અહીં આવ્યો હતો. જેથી તેનો ભાઈ જયેશ રામ તેને ઓફિસે મુકવા જઈ રહ્યો હતો.