Western Times News

Gujarati News

BRTS ટક્કરથી શિવરંજની પાસે સ્વિંગ ગેટને નુકસાન થયું

અમદાવાદ: શહેરમાં બીઆરટીએસ બસના બેફામ ડ્રાઇવીંગને લઇ છાશવારે સમાચાર માધ્યમોમાં ખબરો આવતી રહે છે ત્યારે બીઆરટીએસ બસના બેફામ અને ગફલતભર્યા ડ્રાઇવીંગનો પુરાવો આપતો એક વધુ કિસ્સો આજે અમદાવાદ શહેરમાં સામે આવ્યો હતો. શહેરના શિવરંજની બીઆરટીએસ સ્ટોપ પર ખુદ બીઆરટીએસ બસની ટક્કરથી જ દોઢ લાખની કિંમતનો સ્વીંગ ગેટ તૂટયો હતો. જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, બીઆરટીએસ બસની ટકકરથી જ તંત્રની મિલકતને નુકસાન થતાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શિવરંજની પાસે બીઆરટીએસ બસની ટક્કરથી જે સ્વીંગ તૂટયો, તેથી એકબાજુનો ગેટ સ્થાનિક સત્તાધીશો દ્વારા બંધ કરાયો હતો અને તૂટેલા સ્વીંગ ગેટના રીપેરીંગની તજવીજ હાથ ધરાઇ હતી.


ઉલ્લેખનીય છે કે, એક સ્વીંગ ગેટની કિંમત રૂ.૧.૫૦ લાખ છે અને રૂ.છ કરોડના ખર્ચે અમદાવાદના તમામ બીઆરટીએસ સ્ટોપ પર સ્વીંગ ગેટ લગાવવામાં આવ્યા છે. બીજીબાજુ, એવી ચર્ચાએ પણ જાર પકડયું હતું કે, બીઆરટીએસ બસના ડ્રાઈવરો આવી રીતે બેફામ બસ હંકારીને આવી રીતે સ્વીંગ ગેટ તોડી નાંખે તે કેટલા અંશે વ્યાજબી છે. પ્રજાના રૂપિયે બનાવેલા સ્વીંગ ગેટ તૂટી જતા હવે તેની જવાબદારી કોણ લશે? જેવા અનેક સવાલો ઉભા થયા છે. આ નુકસાની કોણ ભરપાઇ કરશે તેનો જવાબ પણ પ્રજાજનો માંગી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસના ડ્રાઇવરની ગંભીર ભૂલ અને બેફામ ડ્રાઇવીંગના કારણે બે સગા ભાઇઓના કરૂણ મોત નીપજયા હતા, જેને પગલે ખુદ અમ્યુકો સત્તાધીશોને બીઆરટીએસ બસના ડ્રાઇવીંગ અને ડ્રાઇવરોને લઇ જરૂરી માર્ગદર્શિકા જારી કરવાની ફરજ પડી હતી પરંતુ આજની સ્વીંગ ગેટ તૂટવાની ઘટનાને લઇ ફરી એકવાર અમ્યુકો સત્તાધીશોની ગાઇડલાઇન્સ કાગળ પર જ નથી રહી ગઇને તેવા ગંભીર સવાલો સામે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.