અમદાવાદ જનમાર્ગના હેરિટેજ બસ શેલ્ટર જર્જરિત અવસ્થામાં
કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બસ સેન્ટર બનાવવામાં આવે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી થતી નથી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં જનમાર્ગ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપવામાં માટે હેરિટેજ બસ શેલ્ટર બનાવવામાં આવ્યા હતા. તંત્ર ઘ્વારા એલિસબ્રિજથી દિલ્હી દરવાજા સુધી કુલ ૧૦ જેટલા હેરિટેજ શેલ્ટર રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે બનાવ્યા હતા.
પરંતુ હાલ તેની સ્થિતિ અત્યંત જર્જરિત છે અને તૂટેલી હાલતમાં જાેવા મળે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બસ સેન્ટર બનાવવામાં આવે છે, પરંતુ તેની યોગ્ય જાળવણી થતી નથી તેવા આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થતાં એલિસબ્રિજથી તિલકબાગ, રાયખડ ચાર રસ્તા, મ્યુ.કોર્પો.ઓફિસ, આસ્ટોડિયા ચકલા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સાંરગપુર દરવાજા, પ્રેમ દરવાજા, અને દિલ્હી દરવાજા સુધી મ્ઇ્જીના ૧૦ હેરિટેજ ટાઇપ બસ શેલ્ટર બનાવવામાં આવ્યા છે,
જેના માટે કુલ ખર્ચ રૂપિયા ૧૦.૫૦ કરોડ થયો હતો. આજે આ તમામ બસ શેલ્ટર જર્જરિત તેમજ તૂટેલી હાલતમાં છે તેમજ ગંદકીવાળા થઈ ગયા છે.જનમાર્ગ લિમિટેડ ઘ્વારા છેલ્લા ૧૦ વર્ષથી બસ શેલ્ટર સફાઈ માટે માત્ર બે સંસ્થાઓને કામ આપવામાં આવી રહ્યા છે. તેના માઠા પરિણામો પણ જાેવા મળે છે.
અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હેરિટેજ વેલ્યૂ જાળવવા બાબતે શાસકો ઉદાસીન છે. હેરિટેજ મિલકતોની અવગણનાની સ્થિતિ ઉભી થઇ હોય તેવું લાગે છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અને વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ વચ્ચે સંકલનના અભાવે તમામ હેરિટેજ બસશેલ્ટર જર્જરિત થવા બાબતે તંત્ર અંધારામાં છે. જેથી હેરિટેજ ખાતું માત્ર નામનું ખાતું છે.
અમદાવાદ શહેરને, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જાે હોય ત્યારે જર્જરિત અને ગંદકીવાળા બસ શેલ્ટરો જાેઇને સમગ્ર વિશ્વમાંથી આવતા સહેલાણીઓ હેરિટેજ સિટી અમદાવાદ માટે શું છાપ લઇને જશે? અમદાવાદ શહેરની હેરિટેજ વેલ્યૂ જાળવવા માટે સંસ્કૃતિરૂપી વિરાસતો તથા હેરિટેજ ટાઇપના બસશેલ્ટરો તથા અન્ય ઇમારતોની જાળવણી કરવામાં આવે તે જરૂરી છે.
કોટ વિસ્તારમાં હેરિટેજ મિલકતો તૂટી તેના સ્થાને કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે.તેની સામે પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે તેવી કોંગ્રેસે માગ કરી છે.