Western Times News

Gujarati News

જનમાર્ગમાં દૈનિક 100 કરતાં વધુ BRTS બસના બ્રેકડાઉન થતાં મુસાફરો પરેશાન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવાને અપગ્રેડ કરવા માટે ર૦૦૮માં જનમાર્ગ યોજના શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજના પરિવહન મામલે સદંતર નિષ્ફળ નિવડી છે જેમાં આવક કરતા ખર્ચનું પ્રમાણ અનેકગણુ વધારે છે. ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે વધી છે તેમજ જનમાર્ગની બસોમાં બ્રેક ડાઉનની સંખ્યા પણ ખુબ જ વધારે હોવાની વિગતો બહાર આવી છે.

કેન્દ્ર સરકારની જેએનએનયુઆરએમ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બીઆરટીએસ સેવા શરૂ કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ નાગરિકોને સારી પરિવહન સેવા મળે તેવો હતો. પરંતુ આ બંનેમાંથી એક પણ ઉદ્દેશ સફળ થયો નથી. બીઆરટીએસ કોરીડોરના કારણે કોટ વિસ્તાર સહિત અનેક જગ્યાએ ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે.

જયારે કોન્ટ્રાકટ પધ્ધતિના કારણે ખોટનો ખાડો પણ વધી રહયો છે. તદઉપરાંત કોન્ટ્રાકટરોની મરજી મુજબ બસો ચાલી રહી હોવાથી બ્રેકડાઉનનો આંકડો પણ ઘણો જ વધારે છે. એક અંદાજ મુજબ જનમાર્ગમાં શીફ્ટ દીઠ પ૦ બસ બ્રેકડાઉન થતી હોવાની ફરિયાદ બહાર આવી છે. જેમાં ડીઝલ અને ઈલેકટ્રીક બસ બ્રેકડાઉન વધારે થાય છે.

જનમાર્ગ લિમિટેડ દ્વારા રોજ ર૭૪ બસ રોડ પર મુકવામાં આવે છે જે પૈકી પ૦ બ્રેકડાઉન થાય છે. જનમાર્ગ લિમિટેડ દ્વારા ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડની રર ડીઝલ બસ પૈકી ૬ બસ બ્રેકડાઉન થાય છે જેની ટકાવારી ર૭ થાય છે જયારે શ્રીમારૂતી પ્રા.લિ.ની બ્રેકડાઉનની ટકાવારી ૩૭ જેટલી છે. આ ઉપરાંત અશોક લેલેન્ડ અને વીટીઈ મોબીલીટીની ટકાવારી પણ ખૂબ જ વધારે છે.

અશોક લેલેન્ડની દૈનિક ર૩ ટકા અને વીટીઈ મોબીલીટીની ર૩ ટકા બસ બ્રેકડાઉન થતી હોય છે. જનમાર્ગ લિમિટેડ દ્વારા ઉંચા ભાવ આપીને કોન્ટ્રાકટ પર બસો લેવામાં આવે છે તેમ છતાં બ્રેકડાઉન થવાના કારણે નાગરિકોને યોગ્ય પરિવહન સેવા મળતી નથી.

અત્રે નોંધનીય બાબત એ છે કે જનમાર્ગમાં ર૭૪ની સામે પ૦ બસો બ્રેકડાઉન થાય છે. જયારે એએમટીએસમાં ૮૦૦ બસ સામે પ૦ બસ બ્રેકડાઉન થતી હોય છે જેનું મુખ્ય કારણ એએમટીએસમાં ડબલ ડેકર સિવાયની તમામ બસો સીએનજી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.