મોડી રાત્રે ઠક્કરનગરમાં હોટલના માલિકની ઘાતકી હત્યા થતાં ચકચાર
બાપુનગરમાં પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ -નશેડીઓએ હોટલના માલિકને રહેંસી નાંખ્યો, ત્રણની ધરપકડ
અમદાવાદ, શહેરમાં હત્યાનો સિલસિલો અટકવામનું નામ નથી લઈ રહ્યો તેવું લાગી રહ્યું છે. ફતેહવાડીમાં કુખ્યાત શિવા મહાલિંગમની ગેંગના સભ્યએ સોનાની ચેઈન ઝૂંટવવા મામલે કરેલી હત્યાનો મામલો હજુ શાંત નથી પડયો ત્યાં મોડી રાત્રે ઠક્કરનગરમાં હોટલના માલિકની ઘાતકી હત્યા થતાં ચકચાર મચી ગઈ છે.
નશાની હાલતમાં હોટલના માલિકને ત્રણ શખ્સોએ કાતર તેમજ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઉપરાંત શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ જ પોતાના ૧૦ વર્ષના પુત્રને ઝેરી પીણું પીવડાવી હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે જો કે, આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ભરત ખીલસૂરિયાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જયેશ, સાગર અને દીપક નામના યુવક વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ભરત ખીલસૂરિયાના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે શંકર અમરસિંગ રાવની મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. જેને લઈને ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. રાજેન્દ્ર ઠક્કરનગર ખાતે આવેલી મધુવન હોટલ ચલાવીને ગુજરાન ચલાવે છે.
ગઈકાલે રાજેન્દ્ર હોટલમાં હાજર હતા અને સીડી ઉતરીને નીચે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ત્રણ યુવક બેઠા હતા. રાજેન્દ્રએ ત્રણેયને સીડી ઉતરી જવાનું કહેતા મામલો બીચકયો હતો. ત્રણેય શખ્સ નશેડી હોવાના કારણે રાજેન્દ્ર સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. મામલો એટલી હદે ગરમાયો કે ત્રણેય શખ્સે રાજેન્દ્રના માથામાં તેમજ શરીરના ભાગે છરી તેમજ કાતરના ઘા મારી દીધા હતા.
રાજેન્દ્ર લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડયો હતો ત્યારે ભરત તેને બચાવવા માટે દોડી ગયો હતો. ભરતને જોતાંની સાથે જ ત્રણેય શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત રાજેન્દ્રને હોસ્પિટલમાં લઈ જવા માટે ભરતે એમ્બ્યુલન્સ બોલાવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવતાની સાથે જ રાજેન્દ્રને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાજેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે હોટલમાં તેમજ આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં આરોપીઓની ઓળખ થઈ હતી. પોલીસે મોડી રાતે જયેશ, સાગર અને દીપક નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ દિકરાને સોડિયમ નાઈટ્રેડ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની મહેસાણા કામથી ગઈ હોવાથી યુવકને બાળકો સાથે જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવ્યો હતો જેથી તેણે પહેલાં બે સંતાનોને ઉલ્ટી ના થાય તેની દવા આપી ત્યારબાદ દિકરાને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દીધું હતું. સોડિયમ નાઈટ્રેટથી દિકરાની તબિયત લથડતાં પિતા ગભરાઈ ગયા હતા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
બીજી તરફ ચાંદખેડા વિસ્તારમાં આવેલી ન્યુ કમલકુંજ સોસાયટીમાં રહેતા યોગેશ ગોહિલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ગોહિલ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. યોગેશનો નાનો ભાઈ કલ્પેશ તેના માતા, પિતા, પત્ની જયશ્રી અને બાળક સાથે રહે છે. ગઈકાલે યોગેશના દિકરા મિહિરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કલ્પેશકાકાનો ફોન આવ્યો હતો અને તે કહેતા હતા કે ઓમ બીમાર થઈ ગયો છે.
જેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા છે. ભત્રીજાના સમાચાર મળતાની સાથે જ યોગેશ પત્નીને લઈને તરત જ જ શારદાબેન હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ડૉક્ટર્સે ઓમને મૃત જાહેર કર્યો હતો. દરમિયાનમાં ઓમની બહેને જિયાએ જણાવ્યું હતું કે, પપ્પાએ દવા આપી. ત્યારબાદ અમારી હાલત ખરાબ થઈ હતી.
દવા આપ્યા બાદ કલ્પેશ જતો રહ્યો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સામે આવ્યું હતું કે, કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. કલ્પેશે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મારી પત્ની જયશ્રી મહેસાણા ગઈ હતી ત્યારે મને મરી જવાનો વિચાર આવ્યો જેના કારણે મેં પહેલાં મારા બન્ને સંતાનોને ઉલ્ટી ના થાય તેની દવા આપી હતી અને બાદમાં પીવાના પાણીમાં સોડિયમ નાઈટ્રેટ નાંખીને ઓમને પીવડાવી દીધું હતું.
દીકરાને ૩૦ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દેતાં તેના હોઠ વાદળી થઈ ગયા હતા અને તેના પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. કલ્પેશ ગભરાઈ જતાં તે તરત જ ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. દિકરાને વગર કારણે સોડિયમ નાઈટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર કલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે અને કલ્પેશની ધરપકડ કરી છે.