Western Times News

Gujarati News

BSFના જવાનો દુનિયાની સૌથી મોટી તાકાત સામે છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ: અમિત શાહ

નવી દિલ્હી, ધોરડોમાં સફેદ રણમાં પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના વિકાસની વાત કરી હતી. તેમણે અગાઉ સીમાઓ પર થતાં હુમલાને લઈને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે.

દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે છેવાડાના ગામોનો વિકાસ કરીશું. સરહદના ગ્રામજનો પલાયન ના થાય, સરહદ પર વસેલા ગામોનો વિકાસ જરૂરી છે. શાહે જણાવ્યું હતું કે, જ્યાં પણ દેશની સરહદો છે ત્યાં દરેક જગ્યાએ સીમાંત વિકાસોત્સવ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે.

આજે આપણા બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે, તેઓ અધિકૃત છે અને આપી પણ રહ્યા છે.

ત્રણ જિલ્લાના સરપંચોને સંબોધન કરતાં અમિત શાહે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને નવા વર્ષે કોરોના સામે લડવાનો સંકલ્પ લેવા કહ્યું હતું. મોદીજીના કાર્યકાળમાં કચ્છ અને ભુજનો વિકાસ થયો છે. વિકાસ થવાથી કચ્છની સરહદ પણ વધુ સુરક્ષિત બની છે.

આજે ભુજમાં પોસ્ટિંગ મળવી સારી બાબત છે, પહેલા ભુજમાં બદલી થતી તો સજા માનવામાં આવતી હતી. હવે ભુજમાં બદલી કરવા માટે લાઇનો લાગે છે. કચ્છનો વિકાસ જોઇને આનંદ થયો. ભુજમાં કૃષિ વિકાસનું કોઇ વિચારતુ ન હતું, સરહદના સરપંચોમાં સરહદી સુરક્ષાની જાગૃતતા જરૂરી છે.

અમિત શાહ ગઈકાલે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે ગુરુવારે સવારે તેઓ ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો પહોંચ્યા હતા. અહીં તેઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.