BSF ભુજે હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાનની ફિશિંગ બોટ જપ્ત કરી
ભુજ, ગત 3 એપ્રિલ 2022ના રોજ રવિવારે મોડી સાંજે 08:30 કલાકે BSF ભુજની પેટ્રોલ પાર્ટી બોર્ડર પિલ્લર નં- 1164 નજીક હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ્સની ગતિવિધિ સામે આવી હતી.
બોર્ડર પિલ્લર નં- 1160 પાસે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 4-5 પાકિસ્તાની માછીમારોની હાજરીને ધ્યાનમાં લઈને BSFની પેટ્રોલ પાર્ટી તાત્કાલિક પગે ચાલીને કાદવ અને નાળું પાર કરીને તે દિશામાં ધસી ગઈ હતી.
જોકે BSFના પેટ્રોલિંગ યુનિટને પોતાના તરફ આવતા જોઈને પાકિસ્તાની માછીમારો સતર્ક બની ગયા હતા અને કાદવવાળી જમીનનો લાભ લઈને તાત્કાલિક પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. જોકે BSFના પેટ્રોલિંગ યુનિટે તેમનો પીછો કર્યો હતો અને બોર્ડર પિલ્લર નં- 1160 પાસે ભારતીય સીમાની આશરે 100 મીટર અંદરથી 1 પાકિસ્તાની ફિશિંગ બોટ કબજામાં લીધી હતી.
જપ્ત કરવામાં આવેલી બોટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં માછલીઓ મળી આવી હતી અને તે સિવાય કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ નહોતી લાગી. તે સિવાય બોટમાંથી માછલી પકડવાની જાળી અને માછીમારી માટેના અન્ય સાધનો પણ મળી આવ્યા હતા. હાલ તે સમગ્ર વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.