Western Times News

Gujarati News

BTPના ધારાસભ્યએ AAP મહામંત્રી પર જાન લેવા હુમલાને વખોડી કાઢી રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી

આમ આદમી પાર્ટીની સહયોગી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા એ રાજ્યપાલને પત્ર લખી હુમલો કરનાર તત્વ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય તે બંધારણના હિતમાં છે તેમ જણાવ્યું હતું.

(વિરલ રાણા) ભરૂચ,ગતરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સુરત ખાતેના ગણપતિના પંડાલમાં દર્શનાર્થે ગયા હતા. તે દરમિયાન ભાજપના કેટલાક લોકો દ્વારા તેમના પર જાન લેવા હિચકારો હુમલો થયો હતો !

આ હુમલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટી ગુજરાતની સહયોગી પાર્ટી એવી અને આગામી વિધાનસભા ઈલેક્શનમાં જે બે પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે એવી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપના કેટલાક ઈસમો દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર જાન લેવા હુમલાને વખોડી કાઢી રાજ્યપાલને એક પત્ર લખી રજૂઆત કરી છે.

 

રજૂઆતમાં ધારાસભ્ય મહેશભાઈએ જણાવ્યું છે કે ગઈકાલ તા. ૩૦.૮.૨૨ ના રોજ સુરત ગણપતિના પંડાલ પર અમારા સહયોગી દળ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કેટલાક લોકો દ્વારા જાન લેવા હીંચકારો હુમલો થયો છે,તેઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે,લોકશાહી દેશમાં લોકોનો અવાજ બુલંદ કરવાનો ભારતના દરેક નાગરિકને સંવિધાનિક હક છે.

દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ગઠબંધનની લોકપ્રિયતા વધી રહી છે, જે ભાજપને માફક આવતું નથી.ગુજરાત માંથી સત્તા જવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.ભાજપ ૨૭ વર્ષથી ગુજરાતમાં શાસનમાં હોવા છતાં સામાન્ય વર્ગ, વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, શિક્ષિત બેરોજગાર, ગરીબો, વંચિતો, શોષિતો બધા જ ત્રસ્ત છે.

ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના હોવા છતાં પણ સુરતમાં આવા ઈરાદાપૂર્વક પૂર્વ આયોજિત જાન લેવા હુમલા થાય તે ખરેખર અતિ નિદંનિય છે. આવી રીતે લોકશાહીને દબડાવાની જે કોશિશ થઈ રહી છે તે ક્યારે ચલાવી લેવાય તેમ નથી.

સત્તા ટકાવી રાખવા અને આવનાર ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે જે હવાતિયા ભાજપ દ્વારા ચાલુ થયા છે તે લોકશાહી માટે ખતરો છે.ધારાસભ્ય મહેશ વસાવા એ ખાસ ભલામણ કરી છે કે આવા તત્વો સામે તત્કાલીક કાયદેસરની કાર્યવાહી થાય તે બંધારણીય હિતમાં છે.લોકશાહી બચાવી લેવા મારી ખાસ ભલામણ છે તેમ તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.