શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે 150ના સ્મારક સિક્કાનું વિમોચન

અમદાવાદ, પૂજય શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ ત્યાગ અને સમર્પણના સંગમ હતા. પૂજ્ય મહારાજજીની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં રવિવારે રૂ. 150ના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું.
કર્મ, ધર્મ, ધ્યાન અને જ્ઞાનને જીવનના મૂલ્યો બનાવનાર પૂજ્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના સન્માનમાં બહાર પાડવામાં આવેલો આ સ્મારક સિક્કો તેમની સ્મૃતિને અમર કરશે અને ભાવિ પેઢીઓને તેમના આદર્શો જાણવાની પ્રેરણા આપશે.
ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની 150મી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બનશે. મુખ્યમંત્રીએ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજને કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી ગણાવ્યા હતા. સીએમએ કહ્યું કે, બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ સમાજ સુધારણા, સામાજિક જાગૃતિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રતાપે મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.