સુરત અને જામનગર ખાતે વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા 41 કરોડની બજેટમાં જોગવાઇ

પ્રતિકાત્મક
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ
રાજ્ય સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ૫૦% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫%નો વધારો કરી ₹૨૩,૩૮૫ કરોડની જોગવાઇ સૂચવું છું.
વર્ષ ૨૦૨૩-૨૪ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ Good Health and Well Being (SDG Index No.3) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹૩૬૭૬ કરોડની જોગવાઇ.
G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૩૯૨ કરોડની જોગવાઇ. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹૨૩૧ કરોડની જોગવાઇ.
કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ₹૧૯૮ કરોડની જોગવાઇ.
બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૧૩૭ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ₹૫૨ કરોડની જોગવાઇ.
આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે ₹૫૨ કરોડની જોગવાઇ. એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૨૦૦ નવી એમ્બ્યુલન્સ માટે ₹૪૮ કરોડની જોગવાઇ.
સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ₹૪૪ કરોડની જોગવાઇ. નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.
ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ. આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.