Western Times News

Gujarati News

ગુજરાતના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7668 કરોડની જોગવાઇ

ગાંધીનગર, GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક ₹૧૨૫૦ની સહાય માટે ₹૩૦૧૫ કરોડની જોગવાઇ. આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના માનદવેતન માટે ₹૧૨૪૧ કરોડની જોગવાઇ.

પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. જેના માટે ₹૯૦ કરોડની જોગવાઇ.

પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹૯૭૩ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.

પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનનાં પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે ₹૩૩૫ કરોડની જોગવાઇ. વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ.

દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા માટે ₹૧૩૩ કરોડની જોગવાઇ. વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹૬૯ કરોડની જોગવાઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.