પોલીસે ભેંસ ચોરીની ફરિયાદ ન લેતા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત
સાંખડાસાર-૧ ગામના પશુ પાલકની પાંચ લાખની ત્રણ ભેંસ ચોરાઈ
તળાજા, તળાજાના સાંખડાસર-૧ ગામના ખેતી સાથે પશુપાલન કરતા યુવાને તળાજા પોલીસ દ્વારા ભેંસ ચોરાયાની ચાર દિવસ થયા છતાંય ફરિયાદ કે યોગ્ય તપાસ ન કરતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજયના પોલીસ વડાને સંબોધીને રજુઆત કરી છે.
સાંખડાસર-૧ ગામના રમણા વલ્લભભાઈ કુબેરભાઈએ નેશનલ હાઈવે પર આવેલી વાડીમાં પશુપાલનનો વ્યવસાય કરતા હોય ત્રણ ભેંસો બાંધી હતી. એ ભેંસો રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવીને ચોરી કરી હંકારીને લઈ ગયા હતા. આ ભેંસોની અંદાજે પાંચ લાખની કિંમતની હતી.
પશુપાલક માટે આજીવિકાનું સાધન હતું તેની ચોરી થતા તળાજા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા એફઆઈઆર યોગ્ય તપાસ ન કરવામાં આવતા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગજુભા સરવૈયા સહિત ગ્રામજનો બે દિવસ પહેલા પોલીસ ત્વરીત કામગીરી કરે
તે માટે પોલીસ મથકે દોડી આવ્યા હતા છતાંય આજ સુધી એફઆઈઆર કે સંતોષકારક કામગીરી ન થતા આખરે પશુપાલક દ્વારા મુખ્યમંત્રીને રાવ કરી છે. ભેંસો પરત મળી જાય તેવી પત્રમાં લાગણી વ્યકત કરી છે.