બુટલેગરનો નવો કિમિયોઃ બંધ મકાનમાં આ રીતે દારૂ સંતાડવાનો પ્લાન
સરદારનગર પોલીસે દારૂની ૮૦ બોટલ જપ્ત કરી, લોકલ ક્રાઈમ બ્રાંચે દાણીલીમડામાંથી ૨૨ બોટલ કબજે કરી
(એજન્સી)અમદાવાદ, દારૂને છુપાવવા માટેની વિવિધ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ પોલીસે સરદારનગર અને દાણીલીમડા વિસ્તારમાં કર્યાે છે. બુટલેગરો સરદારનગરના બંધ મકાનમાં દારૂ જથ્થો છુપાવીને રાખ્યો હતો, જ્યારે દાણીલીમડા વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
એરપોર્ટ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે છે, જ્યારે દાણીલીમડા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે છે.
એરપોર્ટ પોલીસને બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં આવેલા આંબાવાડીના એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે એરપોર્ટ પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં મકાનની બહાર ઊભેલા મયુર કેશવાણીની અટકાયત કરી હતી.
પોલીસે મકાનનું લોક ખોલવાનું કહેતાં મયુરે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. પરંતુ પોલીસ પાસે ચોક્કસ બાતમી હોવાથી તેમણે લોક તોડી નાંખ્યું હતું. પોલીસે લોક તોડીને મકાનમાં જઈને તપાસ કરી તો તેમાંથી દારૂની ૮૦ બોટલ મળી આવી હતી. એરપોર્ટ પોલીસે મયુર કેશવાણી, સની ઉર્ફે મુચ્છુ, રવિ ક્રિષ્નાની અને મનીષ ઉર્ફે ડી.જે.વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ઝોન-૬ની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં કેટલાક શખ્સો જમીનમાં દાટેલી દારૂની બોટલો બહાર કાઢી રહ્યા છે. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં બે શખ્સો જમીન ખોદી રહ્યા હતા.
પોલીસને જાેતાંની સાથે જ બંને શખ્સો નાસી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો જમીનમાંથી દારૂની ૨૨ બોટલ મળી આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.