બિલ્ડરે રૂપિયા લીધા બાદ દુકાનનો કબ્જાે ન આપ્યો
બિલ્ડર દ્વારા દુકાન ખરીદનાર વ્યક્તિ-તેની પત્નીને માર મારી ગાળો આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરત, શહેરના સારોલી વિસ્તારમાં આવેલા કાપડ માર્કેટમાં દુકાન ખરીદી મામલે વિવાદ સર્જાયો છે. બિલ્ડરે રૂપિયા લીધા બાદ દુકાનનો કબજાે આપ્યો નહોતો. જેના લીધે દુકાન ખરીદનાર વ્યક્તિ બિલ્ડરને મળવા ગયો હતો. તે સમયે ત્યાં વાત ઉગ્ર બની હતી. હવે બિલ્ડર દ્વારા દુકાન ખરીદનાર વ્યક્તિ અને તેની પત્નીને માર મારી ગાળો આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ બિલ્ડરની ટિકા થઇ રહી છે, સાથે જ પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સુરતના સારોલી વિસ્તારમાં આવેલા અયોધ્યા માર્કેટમાં એક વ્યક્તિ દ્વારા દુકાન ખરીદવામાં આવી હતી. રૂપિયા ચૂકવાઇ ગયા બાદ પણ બિલ્ડર દ્વારા આ દુકાનનો કબ્જાે આપવામાં આવતો ન હતો.
જે બાદ દુકાન ખરીદનાર વ્યક્તિ તેની પત્ની સાથે આજે મળવા ગયો હતો. આ દરમિયાન બિલ્ડરે વાતચીત દરમિયાન દાદાગીરી કરી હતી. બિલ્ડરે દુકાન ખરીદનાર વ્યક્તિ અને તેની પત્ની સાથે પહેલા તો ગાળા-ગાળી કરી હતી અને પછી છૂટા હાથે મારામારી શરૂ કરી દીધી હતી.
દુકાન ખરીદનાર વ્યક્તિની પત્નીનું કહેવું હતું કે, રૂપિયા લીધા બાદ કેમ દુકાન નથી આપતાં અને રૂપિયા શેના માટે લીધા છે? જે મામલે બિલ્ડર કહ્યું હતું કે, મેં દુકાન તને વેચી નથી અને તું આ દુકાનનો માલિક નથી. બિલ્ડરની આ વાત બાદ ઝઘડો શરૂ થયો હતો.
ઉગ્ર બોલાચાલી અને ગાળા-ગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સમયે હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટના કેદ કરી હતી અને હવે આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જાેકે, હાલ પોલીસે પણ વાયરલ વીડિયો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.