બે વર્ષથી વોન્ટેડ છતાંય બિલ્ડરની જમીનના સોદા અને ફ્લેટના દસ્તાવેજો થઇ રહ્યા છે

વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૧ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ
વડોદરા, વડોદરા,વડોદરામાં અલગ – અલગ સ્થળે સ્કીમો શરૃ કરી બુકીંગના બહાને લોકો પાસેથી લાખો રૃપિયા પડાવી લઇ વિદેશ ભાગી જનાર ભેજાબાજ અપૂર્વ પટેલ સામે ૪૫ ગુનાઓ નોંધાયા છે.
સ્ટીલના વેપારી પાસેથી સામાન ખરીદી તેમજ એક ફ્લેટના બુકીંગ પેટે ૪ લાખ લઇ ૫૧.૯૫ લાખ પડાવી લીધા હતા. પાણીગેટ ભદ્ર કચેરી સામે ખત્રી પોળમાં રહેતા સંજયકુમાર રમેશચંદ્ર શાહ પ્રતાપનગર રોડ, યમુના મિલ ચાર રસ્તા પાસે રિદ્ધિ સિદ્ધિ સ્ટીલના નામે લોખંડના સળિયા, ટી.એમ.ટી. બાસ, બાઇન્ડિંગ વાયર અને ખીલીનો વેપાર કરે છે.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, શ્રી સિદ્ધિ વિનાયક ડેવલપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર (૧) અપૂર્વ દિનેશભાઇ પટેલ તથા (૨) મનોજ સોલંકી દ્વારા વર્ષ – ૨૦૧૭ થી અમારી પાસેથી સામાન ખરીદ કર્યો હતો. શરૃઆતમાં તેઓ સમયસર પેમેન્ટ કરતા હતા.
વર્ષ – ૨૦૧૮ માં અપૂર્વ પટેલના કહેવાથી ચાર લાખમાં એક ફ્લેટ બુક કરાવ્યો હતો. ત્યારબાદ તેઓની અન્ય એક સ્કીમ પર મેં ૨૯.૭૧ લાખનો સામાન સપ્લાય કર્યો હતો. ત્યારબાદ હિસાબ કરતા મારે તેઓની પાસેથી કુલ ૪૭.૯૫ લાખ લેવાના નીકળતા હતા. તેમણે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા. અપૂર્વ પટેલે બિલના રૃપિયાના ૧૮ ટકા લેખે જી.એસ.ટી.ક્રેડિટની રકમ જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી પણ તે સમયે લઇ લીધી હતી.
અપૂર્વ પટેલની અક્ષર ચોક વિસ્તારમાં આવેલી જમીન વેચાણ કરવા માટેની કાર્યવાહી શરૃ થઇ હતી. તેમજ તેની અલગ – અલગ સ્કીમની ઓફિસમાં તેમના માણસ જૈમિન ગાંધી તથા અન્ય સ્ટાફ બેસીને કામ કરે છે.અપૂર્વ પટેલ વિરૃદ્ધ શહેરમાં અલગ – અલગ ૪૫ ગુનાઓ દાખલ થયા છે. અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો છે.
તેનો કાકાનો દીકરો નિશાંત પટેલ પાવર ઓફ એટર્ની લઇને તમામ વહીવટ કરે છે. તેણે વર્ષ – ૨૦૨૪ માં મેપલ વિસ્ટા ફ્લેટોના દસ્તાવેજો કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.