બુટલેગરો સામે બુલડોઝરની કાર્યવાહી: DGPના આદેશ બાદ અમદાવાદ પોલીસ એકશન મોડમાં

એસએમસીએ બુટલેગરોની યાદી જાહેર કરી
ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં.
ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે ૧૦૦ કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું.
અમદાવાદ પોલીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગુનાખોરી વિરુદ્ધ દ્રઢ કાર્યવાહી! અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં કુલ ૯૬૯ ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવી. ૨૩૨ ગુનેગારોની પૂછપરછ , ૨૦ પાસા કેસ અને ૨૭૧ પ્રોહી કેસોની નોંધણી સાથે સુરક્ષિત શહેર માટે પોલીસ દળ પ્રતિબદ્ધ છે. નાગરિકોની સલામતી અમારી પ્રાથમિકતા! આસપાસ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તુરંત જાણ કરો: ૬૩૫૬૬ ૨૫૩૬૫
પરંતુ, પોલીસ પોતાની જાહેર કરેલી ડેડલાઈન પણ જાળવી નથી શકી. ૧૦૦ કલાક ઉપર બીજા ૪૮ કલાક વીતી ગયા બાદમાં એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા ૧૫ બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે જેની ઉપર પોલીસ દ્વારા બુલડોઝરની કાર્યવાહીની પણ શરૂઆત થઈ ગઈ છે.
ડીજીપીના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એકશન મોડમાં આવી છે. અલગ અલગ ઝોનમાં ગુનેગારોનું લિસ્ટ બનાવી ગેરકાયદેસાફર દબાણો તેમજ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
એસએમસીની ટીમને સાથે રાખી મેઘાણીનગર પોલીસે લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હતું. અરુણ ઉર્ફે સીતારામ તેમજ ભારતીના દારૂના અડ્ડાવાળી જગ્યાનું ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઝોન ૪માં ૧૭૫ જેટલા શરીર સંબંધી ગુનાઓ અને બૂટલેગરોનું લિસ્ટ બનાવાયું છે જે આરોપીઓના ગેરકાયદેસર મકાનો તેમજ દબાણો પણ દૂર કરવામાં આવશે.
એસએમસી દ્વારા ગુજરાતના ૧૫ એવા જાણીતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી ૬ બુટલેગરો અમદાવાદના છે અને ત્રણ તો ગૃહરાજ્ય મંત્રીના જ શહેર સુરતમાંથી સામે આવ્યા છે. યાદીમાં સમાવિષ્ટ લોકોએ જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો ભેગા કમાણી કરી પોતાની મિલકત ભેગી કરી છે. જેમાં અમદાવાદના મનપસંદ ક્લબ, સરદાર નગરનો સાવર, ક્રિકેટ સટ્ટાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા જેનો બંગલો સિંધુભવન રોડ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસની યાદી અનુસાર, આ લોકોમાંથી કોઈએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તો કોઈએ દુકાનો બનાવીને પોતાનો બીજો ધંધો સેટ કર્યો હતો.
નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી ૧૦ જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા ૧૧૦૦ જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે. આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન નક્કી કરાશે.
તંત્રની કાર્યવાહીને લઈને અહીં અનેક સવાલ ઊભા થાય છે કે, જો તમને આ ગેરકાયદે બાંધકામ વિશે માહિતી હતી તો પહેલાં કાર્યવાહી કેમ ન કરી આવા કોઈ કાંડની રાહ શું કામ જોઈ? કેમ પહેલાં આવા અસામાજિક તત્ત્વોને છાવરવામાં આવ્યા?
બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ અસામાજિક તત્ત્વોની ગેરકાયદે મિલકત અને ઘર તોડી પાડ્યા બાદ શું દૂષણ ખતમ થઈ જશે? દારૂ અને જૂગારમાં સંડોવાયેલા આ અસમાજિક તત્ત્વો સામે એમના મુખ્ય ધંધા પર કાર્યવાહી કરવામાં કેમ નથી આવી રહી?
કોઈ દારૂના અડ્ડા કે જૂગારધામ પર રાજ્ય સરકારની આંખ લાલ થશે કે કેમ? ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ૨૮ પીઆઈની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.