બુલડોઝર કાર્યવાહી: રાજ્યો સામે અવમાનનાની અરજી સુપ્રીમે ફગાવી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના સત્તાવાળા પર કોર્ટના આદેશોની અવમાનનાનો આરોપ લગાવતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે કથિત બુલડોઝર કાર્યવાહી સંબંધિત સીધી કે આડકતરી રીતે ન જોડાયેલા અરજદારની અરજીની તે સુનાવણી કરશે નહીં.
ડિમોલિશનથી પ્રભાવિત વ્યક્તિઓને કોર્ટમાં આવવા દો, અમે તેની સુનાવણી કરીશું.સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમે મધપૂડો છંછેડવા માગતા નથી. ડિમોલિશનથી અસરગ્રસ્ત બનેલા વ્યક્તિઓને કોર્ટમાં આવવા દો. અરજદારના વકીલે આરોપ મૂક્યો હતો કે હરિદ્વાર, જયપુર અને કાનપુરમાં સત્તાવાળાઓએ સર્વાેચ્ચ અદાલતના આદેશની અવમાનના કરી મિલકતોને તોડી પાડી હતી.
આ સત્તાવાળાએ કોર્ટના આદેશ મુજબ કોર્ટની પરવાનગી લીધી ન હતી. સુપ્રીમ કોર્ટનો આદેશ સ્પષ્ટ હતો કે આ કોર્ટની રજા વિના કોઈ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં.
આમાંથી એક કેસમાં એફઆઈઆર દાખલ થયા પછી તરત જ મિલકતને તોડી પાડવામાં આવી હતી.ઉત્તરપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે એમ નટરાજે જણાવ્યું હતું કે અરજદાર ત્રાહિત પક્ષ છે અને તેઓ એ હકીકતોથી વાકેફ નથી કે સત્તાવાળાએ ફૂટપાથ પરના અતિક્રમણને દૂર કર્યાં હતાં. અરજદારે કેટલાક મીડિયા અહેવાલોના આધારે કોર્ટમાં અરજી કરી હતી.
અરજદારના વકીલે જણાવ્યું હતું કે ત્રણમાંથી બે કેસમાં અસરગ્રસ્ત વ્યક્તિઓ જેલમાં છે. જોકે સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જેલમાં રહેલા અસરગ્રસ્ત વ્યક્તિના પરિવારના સભ્યો કોર્ટમાં અરજી કરી શકે છે.
સર્વાેચ્ચ અદાલતે વધુમાં કહ્યું હતું કે જો કોઈની મિલકત તોડી પાડવામાં આવી હોય, તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે અને ખંડપીઠ તેની સુનાવણી કરશે.સર્વાેચ્ચ અદાલતે ૧૭ સપ્ટેમ્બરે આદેશ આપ્યો હતો કે તેની પરવાનગી વગર ૧ ઓક્ટોબર સુધી દેશભરમાં કોઈ ડિમોલિશન નહીં થાય.SS1MS