બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીથી વટવા સુધી સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન કરાશે

File
આવનાર સમયમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી માટે શહેરના અસારવા બ્રીજ, કેડિલા બ્રીજ અને નાથાલાલ ઝઘડિયા બ્રીજ પર ટ્રાફિક પ્રતિબિંધ અને ડાયવર્ઝન અપાશે
અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફાકોન પ્રા.લિ. કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આવનાર સમયમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે, જેને કારણે શહેરના અસારવા બ્રીજ, કેડિલા બ્રીજ અને નાથાલાલ ઝઘડિયા બ્રીજ પર ટ્રાફિક પ્રતિબિંધ અને ડાયવર્ઝન કરવામાં આવશે, એવી પ્રેસનોટ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મણિનગરમાં આવેલ નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ ૧૮ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે.
વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણીનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ છે.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #nathalalbridge @GujaratPolice pic.twitter.com/fYk8nWz5F3— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) February 17, 2025
અસારવા બ્રીજ (શ્રી અમરસિંહ ચૌધરી બ્રીજ)
આ કામકાજ અંતર્ગત અસારવા બ્રીજ (શ્રી અમરસિંહ ચૌધરી બ્રીજ)ની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે તા. ૨૨/૦૨/૨૦૨૫થી તા.૨૫/૦૩/૨૦૨૫ સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
અસારવા બ્રીજ (શ્રી અમરસિંહ ચૌધરી) બ્રીજની કામગીરી દરમિયાન ત્રણેય છેડા વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
૧. દિલ્લી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈ ઈદગાહ બ્રીજ (ગિરધરનગર બ્રીજ)નો ઉપયોગ કરી ગીરધરનગર સર્કલ થઈ જમણી બાજુ વળી અસારવા ક્રોસિંગ થઈ અલગ-અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે.
૨. સરસપુર, ગોમતીપુર, બાપુનગર તરફથી આવતો ટ્રાફિક અસારવા બ્રીજની નીચે જમણી બાજુથી સાઈડના રોડ થઈ બળીયા લીંબડીથી સિવિલ હોસ્પિટલ તરફ તેમજ બળીયા લીંબડીથી ડાબી તરફ ગિરધરનગર સર્કલથી ડાબી બાજુ ગીરધરનગર બ્રીજ (બાબુ જગજીવનરામ બ્રીજ) પરથી ઈદગાહ સર્કલ થઈ દરિયાપુર દરવાજા, દિલ્લી દરવાજા, પ્રેમ દરવાજા તરફના અલગ-અલગ માર્ગો તરફ જઈ શકશે.
૩. સિવિલ, અસારવા તરફથી આવતો ટ્રાફિક બળીયા લીંબડી ચાર રસ્તા જમણી બાજુ વળી ગિરધરનગર ચાર રસ્તા થઈ ઈદગાહ બ્રીજ થઈ અલગ-અલગ માર્ગો તરફ જઈ શકશે.
કેડિલા બ્રીજ
આ કામકાજ અંતર્ગત કેડિલા બ્રીજની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૮/૦૩/૨૦૨૫થી તા.૧૧/૦૪/૨૦૨૫ દરમિયાન ચાલશે, એ દિવસોમાં ફક્ત રાત્રિના સમયે નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
કેડિલા બ્રીજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા બીઆરટીએસ રોડ ૪૫ દિવસ માટે બંને છેડાથી બંધ કરવામાં આવશે.
વૈકલ્પિક માર્ગ
૧. કેડિલા બ્રીજ ઉપરથી અવર-જવર માટે થતી બીઆરટીએસ બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે.
૨.સદર કેડિલા બ્રીજ ઉપર રાત્રિ દરમિયાન અવર-જવર કરતાં વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે. એટલે કે જે સાઈડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવર-જવર કરશે.
નાથાલાલ ઝઘડિયા બ્રિજ
આ કામકાજ અંતર્ગત નાથાલાલ ઝઘડિયા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ (ટ્રેક) લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૧૮/૦૨/૨૦૨૫થી તા.૨૮/૦૨/૨૦૨૫ દરમિયાન ૨૪.૦૦ કલાક ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
નાથાલાલ ઝઘડિયા બ્રીજ (ખોખરા-મણિનગર) ફલાય ઓવર બ્રીજ દિન-૧૦ સુધી બન્ને તરફથી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
૧. ખોખરા, હાટકેશ્વર, અનુપમ સિનેમા તરફથી આવતો ટ્રાફિક મદ્રાસી મંદિર એએમટીએસ બસ સ્ટોપથી ડાબી બાજુ વળી રેલ્વે કોલોની ચાર રસ્તા થઈ મણિનગર ક્રોસિંગ થઈ એસ.જી. હોસ્પિટલ તથા કાંકરિયા તરફના અલગ-અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે.
૨. એલ.જી. હોસ્પિટલ, કાંકરિયા તરફથી આવતો ટ્રાફિક નાથાલાલ ઝઘડિયા બ્રીજના પશ્ચિમ તરફના છેડેથી જમણી બાજુ વળી જયહિન્દ ચાર રસ્તાથી ડાબી બાજુ મણિનગર રેલ્વે ક્રોસિંગ થઈ જશોદાનગર, ખોખરા, અનુપમ સિનેમા તરફના અલગ-અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકશે.