બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બહાને વાહનોમાં ૧૪.૧૯ લાખનું ડીઝલ પુરાવીને ઠગાઈ કર્યાની રાવ
વડોદરા, વડોદરા પાસેના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલ-ડીઝલ પંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સોળ હજાર લિટર ડિઝલ પુરાવ્યાબાદ તેના પૈસાની ચૂકવણી કરવામાં ન આવતા આખરે મામલો મંજુસર પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે મુંબઈ સ્થિત એક કંપનીના ડિરેકટરની સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મંજુસર પોલીસ મથકમાં યોગેન્દ્ર વાઘેલા (રહે.દુમાડ ગામ, મોટુ ફળિયું, વડોદરા)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ દુમાડ ગામમાં વાઘેશ્વરી પેટ્રોલ-ડીઝલ પંપ ચલાવે છે. પેટ્રોલ પંપની ઓફિસમાં વર્કરો તથા હિસાબ કિતાબ માટે મેનેજર તરીકે પૃથ્વીરાજસિંહને રાખવામાં આવ્યા છે. વર્ષ ર૦ર૧માં દિપ ઈન્ફ્રા રોલવે પ્રા.લિ.ના ડિરેકટર કરણસિંહ ચૌહાણ (મૂળ રહે.નવી મુંબઈ) (ઓફિસ. શેલ્ટા કયુબીક બેલાપુરા, નવી મુંબઈ) (હાલ રહે.ઓડ ચોકડી, એમ.કે.એવન્યુ, આણંદ)નો સંપર્ક થયો હતો.
તેઓ એલ એન્ડ ટી કંપનીમાં વર્ક એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું. ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિર્માણ પ્રોજેક્ટમાં કપસી વગેરે જેવી ભારે સામગ્રીના પરિવહન માટે એલ.એન્ડ.ટી કંપની દ્વારા ચાલી રહી છે.
તે સંદર્ભે કોઈ અધિકારી સાથે વાત કરાવી હતી. બાદમાં ડિસેમ્બર ર૦ર૧માં અલગ અલગ છ વાહનોમાં મળીને કુલ સોળ હજાર લીટર ડીઝલ પૂરાવ્યું હતું. જેની કિંમત રૂ.૧૪.૧૯ લાખ થવા પામે છે. આ નાણાં ૧થી ૧પ તારીખમાં પુરાવીને તેનું બિલ ર૦ તારીખની અંદર ચૂકવી દેવાનું અને ૧૬થી ૧ તારીખ સુધીમાં ચૂકવી દેવાનું રહેશે તેવું તેઓના લેટર પેડમાં કરાર કરવામાં આવ્યો હતો. જો કે, તે પ્રમાણે થતું ન હતું.
ઉપરોકત ઘટનામાં કરાર મુજબ પૈસાની ચૂકવણી ન કરતાં આખરે ડીઝલ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આખરે ઉપરોકત મામલે કરણસિંહ ચૌહાણ (મૂળ રહે.નવી મુંબઈ) (ઓફિસ. શેલ્ટન ક્યુબીક બેલાપુરા, નવી મુંબઈ) (હાલ રહે.ઓડ ચોકડી, એમ.કે.એવન્યુ, આણંદ) સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.