બમ્પની બબાલ : અ.મ્યુ.કો. અધિકારીને માર મારીને છરીના ઘા ઝીંકી દીધા
(એજન્સી) અમદાવાદ, શાહપુર દરવાજા પાસે નવા બની રહેલા રોડ પર બમ્પ મુકવાની ના પાડતા મ્યુનિ. કોર્પોરેશનના સુપરવાઈઝરને માથાભારે શખ્સે ગડદાપાટુનો માર મારીને છરીના ઘા ઝીંકતા ચકચાર મચી જવા પામી હતી. સુપરવાઈઝર આ શખ્સને સમજાવવા જતાં તેણે આવેશમાં આવી જઈ રોડનું કામ અટકાવીને ધમકી આપી હતી.
સાણંદ ખાતે રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાહપુર- દુધેશ્વર વોર્ડના રોડ સ્ટોર વિભાગમાં સુપરવાઈજર તરીકે ફરજ બજાવતા કિરણભાઈ ખસારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
રામલાલના ખાડા પાસે અનવરનગરની ચાલી, શાહપુર ખાતે નવા ડામરના રોડનું કામકાજ ચાલુ હતું, જેથી કિરણભાઈ નાઈટ ડ્યુટી પર ફરજ બજાવતા હતા અને રાતના સમયે રોડનું કામકાજ ચાલતું હતું. રામલાલના ખાડા પાસે રહેતા મનીષ ઠાકોરે સ્ટાફ કવાર્ટસથી રામલાલના ખાડા તરફ આવતા રોડ વચ્ચે બમ્પ બનાવવા જણાવ્યું હતું. આથી કિરણભાઈ તેને સમજાવતા હતા કે આ બમ્પ એએમસીની મંજુરી વિના ડાયરેકટ બનાવી શકાય નહી. કિરણભાઈએ આમ કહેતાં મનીષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. મનીષ ગુસ્સે થઈ ગાળો બોલવા લાગ્યો હતો અને હવે હું આગળ રોડનું કામ નહીં થવા દઉ એમ કહીને કામમાં અડચણ કરતો હતો.