Western Times News

Gujarati News

આરોપી સામે પુરાવો ઊભો કરવાનો ભાર ફરિયાદી ઉપરઃ હાઇકોર્ટ

કાયદાના સિદ્ધાંત મુજબ જૈન મંદિરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરીના આરોપીઓને સજાનો આદેશ રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ,માણસાના જૈન મંદિરમાંથી સોના-ચાંદીના ઘરેણાંની ચોરીના આરોપીઓને દોષિત ઠરાવી સજા કરવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કરતો મહત્ત્વપૂર્ણ ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે. ફરિયાદી પક્ષ આરોપી વિરુદ્ધ પૂરતાં પુરાવા નહીં આપી શકતાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ફેરવી કાઢતાં કથિત આરોપીઓની અપીલ ગ્રાહ્ય રાખી છે. ચુકાદામાં એવું મહત્ત્વનું અવલોકન કરતાં સ્પષ્ટતા કરી છે કે ‘ફોજદારી કાયદાના મૂળભૂત સિદ્ધાંતો મુજબ પુરાવા આપવાનો ભાર સંપૂર્ણપણે ફરિયાદી પક્ષ ઉપર હોય છે.’ હાઇકોર્ટે એમ પણ નોંધ્યું છે કે આ કેસમાં જે પુરાવા ઉપર આધાર રખાયો છે એનું મૂલ્યાંકન કરતાં સ્પષ્ટ થાય છે કે ફરિયાદી પક્ષ અપીલકર્તા આરોપીઓ વિરુદ્ધ વાજબી શંકાથી વધુ આરોપો સિદ્ધ કરી શક્યા નથી.

તેથી તેમને દોષિત ઠરાવી સજા આપતો ટ્રાયલ કોર્ટનો ચુકાદો કાયદાની દૃષ્ટિએ ટકી શકે નહીં અને પરિણામે તેને રદબાતલ કરવામાં આવે છે.’આ ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે,‘ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષિત ઠરાવી સજા ફટકારવાનો આદેશ યોગ્ય નથી, કેમ કે ફોજદારી કાયદાશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત કહે છે કે આરોપી વિરુદ્ધ ગુનાના પુરાવા આપવાનું સમગ્ર ભારણ ફરિયાદી પક્ષ ઉપર જ હોય છે. આવા મામલે માત્રને માત્ર શંકા કે ધારણાના આધારે આરોપીને દોષિત ન ઠરાવી શકાય. આરોપીને દોષિત ઠેરવવા માટે ખૂબ જ મજબૂત શંકા અને અત્યંત શંકાસ્પદ પરિબળોના અસ્તિત્વનો ઉલ્લેખ કરીને ફરિયાદ પક્ષની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકાતી નથી.’હાઇકોર્ટે આરોપીઓની અપીલ ગ્રાહ્ય રાખતાં ચુકાદામાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરતાં એ સ્પષ્ટ છે કે માણસાના જૈન મંદિરમાંથી સોના-ચાંદીના ૩.૯૮ લાખના ઘરેણાંની ચોરી થઇ હતી. જે-તે વખતે મંદિરમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા નહોતા. હ્લૈંઇ કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી. ત્યારબાદ અરજદારોને શંકાના આધારે પકડીને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રજૂ કરાયેલા એક સાક્ષીની સમક્ષ આરોપીઓએ એક તબક્કે ગુનો કબૂલ કર્યાે હતો. જોકે સાક્ષીએ શંકાના આધારે આરોપીઓ ઉપર આક્ષેપ કર્યાે હતો. પોલીસ કે પોલીસ દ્વારા રજૂ કરાયેલો સાક્ષી તે અંગેના કોઇ પુરાવા દર્શાવી શક્યા નહોતા.

પોલીસને કોઇ કડી ત્રણ મહિના સુધી મળી નહોતી અને માત્ર તેમની કબૂલાતનામા ઉપર ધરપકડ કરાઈ હતી.’વધુમાં આદેશમાં એમ પણ નોંધવામાં આવ્યું હતું કે,‘કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોની ચકાસણી કરીએ તો પોલીસ અધિકારી સમક્ષ આરોપી દ્વારા કરવામાં આવેલું કબૂલાતનામુ સ્વીકાર કરી શકાય નહીં. જ્યાં સુધી મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કબૂલાત ન કરવામાં આવે ત્યાં સુધી એ પુરવાર થઇ શકતું નથી. તેથી આવા સંજોગોમાં આરોપીની દોષિત હોવાની કબૂલાત તેના વિરુદ્ધમાં જતી નથી. પ્રસ્તુત કેસના કથિત આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હતા અને તેમણે ગુનો કબૂલ કર્યાે હતો. કોર્ટનું માનવું છે કે દોષિત હોવા માટેના સંયોગો આરોપીઓનો ગુનો પુરવાર કરવામાં માટે પૂરતું ન કહેવાય. આ કેસમાં ગુનો જે સ્થળે બન્યો એ પહેલાંથી જ જાહેર હતું અને કથિત આરોપીઓ દ્વારા એ સ્થળ પાછળથી બતાવવામાં આવ્યું હોવા માત્રથી તેમણે ડિસ્કવરી ઓફ પ્લેસ ઓફ ઓફેન્સ (ગુનાનું સ્થળ) બતાવ્યું હોઇ દોષિત ગણી શકાય નહીં.’SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.