ભાવનગર ટીટી ટુર્નામેન્ટમાં બુરહાનુદ્દીન, મૌબિની મોખરાના ક્રમાંકિત
ઘરઆંગણે જયસ્વાલ પરિવાર શક્તિશાળી પ્રદર્શન કરવા આતુર
ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે 13થી 16મી જુલાઈ દરમિયાન ભાવનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના બુરહાનુદ્દીન માલુભાઈ મેન્સ અને અંડર-19માં મોખરાના ક્રમાંકિત તરીકે રમશે.
આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહયોગ સાંપડ્યો છે. અગાઉની બે ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારી અમદાવાદની મૌબોની ચેટરજી અંડર-17 અને અંડર-15 ગર્લ્સ ઇવેન્ટમાં મોખરાના ક્રમે રમશે. તે ભાવનગરમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવા આતુર હશે.
ભાવનગરનું ફેવરિટ ટીટી પરિવાર એટલે કે જયસ્વાલ પરિવાર તેમના ઘરઆંગણે યોજાનારી આ ટુર્નામેન્ટમાં સંપૂર્ણ શક્તિ સાથે ઉતરશે. જેમાં ગુજરાત ટેબલ ટેનિસના પીઢ ખેલાડી 44 વર્ષીય જિજ્ઞેશ જયસ્વાલનો સમાવેશ થાય છે જે અગાઉની ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. તેઓ ઉંમરને એક તરફ રાખીને આશ્ચર્યજનક પ્રદર્શન કરવા પ્રયાસ કરશે.
જિજ્ઞેશની બે પુત્રી નામના અને રિયા જયસ્વાલ વિમેન્સમાં અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે છે અને તેઓ પોતાના પિતા પાસેથી પ્રેરણા લઈને સુંદર પ્રદર્શન કરશે. નામનાનો ઉત્સાહ અનેરો હશે કેમ કે તાજેતરમાં જ તેની પસંદગી વર્લ્ડ યુનિવર્સિટી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં થઈ છે. આ ટુર્નામેન્ટ 28મી જુલાઈથી આઠ ઓગસ્ટ દરમિયાન ચીનના ચેંગડુ ખાતે યોજાનારી છે.
ભાવનગરના અન્ય ખેલાડી ધ્યેય જાની અંડર-17માં મોખરનો ક્રમાંકિત છે અને તે ટાઇટલ જીતવા માટે ફેવરિટ છે.
અગાઉની ત્રણેય સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ ચૂકી ગયા બાદ સુરતની ફિલઝાહ ફાતીમા કાદરી આ ટુર્નામેન્ટ સાથે પુનરાગમન કરી રહી છે.
ભાવનગર ટુર્નામેન્ટ માટે 591 પ્રવેશ આવ્યા છે. ભાવનગરમાં 2018 બાદ પહેલી વાર સ્ટેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.
“લાંબા ગાળા બાદ અમે સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ યોજી રહ્યા છીએ. આ સુંદર સ્થળ પુરૂ પાડવા બદલ અમે એસએજીના આભારી છીએ. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ સવલત પૂરી પાડવા માટે તમા તૈયારી થઈ ગઈ છે.” તેમ બીડીટીટીએના પ્રમુખ અને જીએસટીટીએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિશિથ મહેતાએ જણાવ્યું હતું.
મોખરના ક્રમાંકિતોઃ મેન્સઃ બુરહાનુદ્દીન માલુભાઈ (સુરત), જુનિયર બોયઝ અંડર-19 : બુરહાનુદ્દીન માલુભાઈ. જુનિયર બોયઝ (અંડર-17) : ધ્યેય જાની (ભાવનગર), જુનિયર ગર્લ્સ (અંડર-17) :મૌબોની ચેટરજી (અમદાવાદ). સબ જુનિયર બોયઝ (અંડર-15) : માલવ પંચાલ (અમદાવાદ). સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) : મૌબોની ચેટરજી (અમદાવાદ). કેડેટ બોયઝ (અંડર-13) : જેનિલ પટેલ (અમદાવાદ). કેડેટ ગર્લ્સ (અંડર-13) : દાનિયા ગોદીલ. કેડેટ બોયઝ (અંડર-11) અંશ ખમાર (અમદાવાદ).